ફટાકડાનો સંગ્રહ કરતા ચોથા માળે ગોડાઉનમાં આગ લાગી હતી
આણંદ શહેર, ખંભાત, બોરસદ અને પેટલાદની ફટાકડાની ફેક્ટરીઓમાં નિયમોના છેદ ઉડયા
આણંદ: ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા ૨૧ લોકોનાં મોત નિપજ્યા હતા. આણંદ જિલ્લામાં ખંભાત, બોરસદ, પેટલાદ અને આણંદ શહેરમાં ફટાકડાની ફેક્ટરીઓ આવેલીઓ છે. આણંદ શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા એક વ્યકિતનું મોત નિપજ્યું હોવાનો બનાવ બન્યો હતો.
આણંદ જિલ્લામાં આણંદ શહેર, ખંભાત, બોરસદ, પેટલાદમાં ફટાકડાની ફેક્ટરીઓ ધમધમી રહી છે અને ફાયર એનઓસી વિનાની તેમજ નિયમોનો છેદ ઉડાડી ફટાકડાનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જોકે ફેક્ટરી અને ગોડાઉનમાં ક્ષમતા કરતા વધુ દારૂખાનાનો જથ્થો સંગ્રહ કરાઇ રહ્યો છે. જે જીવલેણ સાબિત થઇ શકે છે.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ગત વર્ષોમાં સીપી કોમર્સ કોલેજની પાછળ આવેલા શહીદ ચોક ખાતે દારૂખાનાના ગોડાઉનમાં નિયમ કરતા વધારે પ્રમાણમાં ફટાકડા અને દારૂખાનું ભરેલું હતું. જેમાં ગોડાઉનમાં આગ લાગતા અકસ્માત થવા પામ્યો હતો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
જ્યારે અન્ય બનાવમાં ઓગસ્ટ ૨૦૨૧ માં આણંદ નગરપાલિકા સામે આવેલી એક બહુમાળી ઈમારતમાં આવેલી મયુર સેલ્સ નામની ફટાકડાની દુકાનના માલિકે ઇમારતના ચોથા માળે મોટા પ્રમાણમાં દારૂખાનાનો જથ્થો સંગ્રહ કર્યો હતો જેમાં આગ લાગી હતી. વિકરાળ આગના કારણે નજીકમાં આવેલા એક શોરૂમ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો આ આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર આણંદ જિલ્લામાં બોરસદ પેટલાદ ખંભાત વિસ્તારમાં જ્યાં મોટા પ્રમાણમાં દારૂખાનું બનાવવામાં આવે છે ત્યાં સમયસર પગલાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ ઉઠી છે.
– બાળકોને ટયુશન કલાસિસમાં મૂકતા પહેલા વાલીઓએ ફાયર એનઓસી છે કે નહીં ચકાસણી કરવી
આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે ભૂતકાળમાં બનેલી આગની ઘટનાઓ નું પુનરાવર્તન ન થાય તે માટે આણંદ જિલ્લાના વાલીઓને પણ સજાગ થવા અપીલ કરી છે પોતાના પાલ્યને કોઈ પણ ટયુશન ક્લાસીસ કે અન્ય ક્લાસીસ માટે મુકતા પહેલા જે તે સંચાલક પાસે ફાયર એનઓસી છે કે નહીં અને પોતાનું બાળક ક્લાસીસ ખાતે સલામત રહેશે કે નહીં તે તપાસણી કર્યા બાદ જ યોગ્ય જણાય તો જે તે ટયુશન ક્લાસીસમાં બાળકને મુકવા વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.