CCTV: પ્રજાલક્ષી કામગીરીના આધારે પોલીસ સ્ટેશનોને રેન્કિંગનો સિલસિલો શરૂ કરનાર પોલીસ હવે પ્રજાની સુરક્ષા માટે પ્રજાના પૈસા લગાવાયેલા કેમેરાથી ગુના ઉકેલીને વાહવાહી મેળવે છે. અમદાવાદમાં વર્ષ 2025 દરમિયાન ધાડ, લૂંટ, ઘરફોડ અને ચોરીના કેસ ઉકેલવામાં સફળતાનો આંક વધ્યો હોવાનો દાવો પોલીસ કરી રહી છે અને એ માટે લોકભાગીદારીથી લગાવાયેલા 23917 CCTVમાંથી 6498 CCTVની ફીડ પોલીસ સ્ટેશન કે કંટ્રોલ રૂમ પાસે પહોંચતી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. CCTVથી ધાડ, લૂંટ, ઘરફોડ અને ચોરીના કેસ ઉકેલવામાં સફળતાનો આંક વધ્યો હોવાનો દાવો કરાયો છે. જોકે, ઓનલાઈન ગુનાખોરીથી પ્રજા લૂંટાય છે મુદ્દે તે સરાજાહેર હત્યાઓ અંગે અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં શહેરમાં લોકભાગીદારીથી CCTV કેમેરા લગાવવાના પ્રોજેક્ટ અને CCTVથી ગુનાના ઉકેલ લાવવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. મે 2024થી અમદાવાદમાં પોલીસ કમિશનરે શહેરના પોલીસ સ્ટેશનોને લોકોનો સંપર્ક કરી CCTV લગાવવા અને પ્રોત્સાહિત કરવા માટેની કામગીરી સૂચવી હતી. પ્રજાજનો CCTV કેમેરા લગાવે તેવા પ્રોજેક્ટ અતંર્ગત લોકોએ પોતાની, દુકાન, કોમ્પ્લેક્ષ, એપાર્ટમેન્ટ કે, ઘરમાં સીસીટીવી લગાવ્યા છે તેમાંથી અનેકની ફીડ પોલીસ સ્ટેશન કે પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચતી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મે 2024થી ઓગસ્ટ 2025 સુધીમાં અમદાવાદમાં લોક ભાગીદારીથી કુલ 23917 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. માર્ચ 2025થી લોક ભાગીદારી થકી લગાવેલા સીસીટીવી કેમેરાની ફીડ પોલીસ સ્ટેશન કે કંટ્રોલ રૂમમાં મળી રહી છે જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લોકોએ લગાવેલા કુલ 3437 સીસીટીવી કેમેરાની ફીડ તેમજ આવા 3061 કેમેરાની ફીડ પોલીસ કંટ્રોલ રૂમને મળી રહી છે અને તેની સમીક્ષા કરવામાં આવે છે.
ક્રાઈમ કોન્ફરન્સમાં દાવો કરવામાં આવ્યો છે કે લોક ભાગીદારીથી સીસીટીવી લગાવવાથી મિલકત વિરુદ્ધ ચોરીઓ અને ચોરીઓના ગુનાના રીટેકશનમાં ખાસો વધારો જોવા મળી રહ્યો છે. લોક ભાગીદારીના સીસીટીવીના ફીડ એટલે કે ફૂટેજ મળવાથી ગુના ઉકેલવાની ટકાવારીમાં છ થી 10% જેવો વધારો નોંધાયો છે. ક્રાઈમ કોન્ફરન્સમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલા ડિમોલિશન પાસા તડીપાર જેવી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં 741 આરોપી સામે કાર્યવાહી કરાઈ હતી.
તો બીજી તરફ ડ્રગ્સ ની બધી નેશનઆબુદ કરવા તેમજ સાઇબર ક્રાઇમના ગુના બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી આ સાથે જ નવરાત્રિના તહેવારમાં બંદોબસ્ત ની તૈયારી સી ટીમની કામગીરી અને ટ્રાફિક નિયમન મુદ્દે પણ ચર્ચા કરી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કાબુ હેઠળ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
પ્રજાના પૈસાથી જ લોક સુરક્ષા
ચર્ચાસ્પદ બાબત એ છે કે લોકોએ પોતાના ખર્ચે લગાવેલા 23,917 કેમેરામાંથી 6,498 કેમેરાની ફીડ પોલીસ મેળવી રહી છે તેનો લાભ ગુના ઉકેલવામાં થઈ રહ્યો છે આમ પ્રજાના પૈસાથી જ લોક સુરક્ષા કરવામાં આવી રહી છે અને પોલીસ વાહ વાહી લૂંટી રહી હોય તેવો તાલ સર્જાયો છે. ધાડ, લૂંટના ગુનામાં 98થી 100 ટકા અને ઘરફોડ કે ચોરીના ગુનામાં 40 થી 57 ટકા સફળતાના દાવા કરી અમદાવાદ પોલીસ પોતાની પીઠ થાબડી રહી છે. ઓનલાઇન ગુનાખોરી એટલે કે સાઇબર ક્રાઈમ અને ડ્રગ્સના દુષણ મુદ્દે આંકડાકીય વિગતો જાહેર કરવાના બદલે ધાડ, લૂંટ, ઘરફોડ અને ચોરીઓની વિગતો જાહેર કરી પોલીસ સંતોષ માની રહી છે. તો બીજી તરફ સરાજાહેર હત્યા, મારામારી અને ગુંડાગીરી જેવા પ્રજામાં ભય સર્જાતા ગુના અંકુશમાં લેવાના મુદ્દે પોલીસ મૌન છે. લોક ભાગીદારીના સીસીટીવીથી ગુના ઉકેલવાની વાત કરીને સરકાર પોલીસ કે મ્યુનિસિપલ દ્વારા લગાવાયેલા સીસીટીવી કેટલા અને તેની શું સ્થિતિ છે તેની વિગતો જાહેર નહીં કરવાની બાબત પણ રહસ્ય સર્જી રહી હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
અમદાવાદ પોલીસને સીસીટીવીની લત
સમય સાથે બદલાઈ રહેલી અમદાવાદ શહેર પોલીસ હવે રોડ ઉપરથી ગાયબ છે અને જાણે સીસીટીવીની લત લાગી ગઈ હોય તેવી સ્થિતિ પ્રવર્તે છે. કોઈપણ ઘટના બને એટલે સીસીટીવીનું એનાલિસિસ કરી આરોપીની ઓળખ મેળવી લઈને મોબાઈલ ફોનના ડેટા મેળવીને આરોપી ઝડપી લઇ ડિટેકશનની આદત પોલીસને પડી ચૂકી છે. સારી બાબત એ છે કે સીસીટીવીની લત લાગવાથી પોલીસના ખબરીઓનું નેટવર્ક તૂટી રહ્યું છે હવે ગુનો બને તે ઉકેલી દેવાય છે, પણ ઓનલાઈન ડિજિટલ ગુનાખોરી બનતો અટકાવવાની દિશામાં પોલીસ કાર્યવાહી થતી હોય તેમ જણાતું નથી.