Rahul Gandhi Attack On RSS-BJP : લદાખમાં થયેલા હિંસક પ્રદર્શનો અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ગેરકાયદે પ્રવૃત્તિઓ (NSA) હેઠળ થયેલી ધરપકડને લઈને રાજકારણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરીને હિંસા માટે ભાજપ-આરએસએસને જવાબદાર ઠેરવ્યા છે. બીજી તરફ, આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ‘એક્સ’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘લદાખની અદ્ભુત જનતા, સંસ્કૃતિ અને પરંપરાઓ ભાજપ અને આરએસએસના નિશાના પર છે. લદાખના લોકોએ માત્ર પોતાનો અવાજ ઉઠાવ્યો, જેના જવાબમાં ભાજપે ચાર યુવકોની હત્યા કરી અને સોનમ વાંગચુક (Sonam Wangchuk)ને જેલમાં પૂરી દીધા. હત્યા બંધ કરો, ડરાવવાનું અને ધમકાવવનું બંધ કરો, લદાખને તેમનો અવાજ આપો, તેમને છઠ્ઠી અનુસૂચિનો અધિકાર આપો.’
આમ આદમી પાર્ટીને રાહુલ ગાંધી પર ગંભીર આક્ષેપ
રાહુલ ગાંધીના નિવેદન પહેલાં AAPએ વાંગચુકની ધરપકડ પર તેમની ચૂપકીદી પર સવાલ ઉઠાવ્યો હતો. AAPએ રાહુલ ગાંધી દ્વારા PM મોદીને ગળે ગાવવાની તસવીર શેર કરીને નિશાન સાધ્યું છે. આપે કહ્યું કે ‘પ્રખ્યાત સમાજસેવી વાંગચુક પર દેશદ્રોહનો ખોટો કેસ કરીને નરેન્દ્ર મોદીની તાનાશાહી સરકારે તેમને જેલમાં પૂરી દીધા, જોકે આ મામલે રાહુલ ગાંધીએ કથિત રીતે મૌન ધારણ કર્યું છે. આ પહેલા રાહુલ ગાંધીએ ભારત-પાકિસ્તાન મેચ યોજવા મામલે મૌન ધારણ કર્યું હતું.’
આપે રાહુલને પૂછ્યું છે કે, ‘આપણે ઓપરેશન સિંદૂરમાં કેટલા વિમાનો ગુમાવ્યા, તેઓ વાંગચુક મામલે ચુપ કેમ છે? શું રાહુલ ગાંધી ભાજપના એજન્ટ છે? આના પરથી એવું લાગી રહ્યું છે કે, રાહુલ ગાંધી માત્ર કેમેરા સામે જ કેટલાક મુદ્દાઓ પર ભાજપનો વિરોધ કરે છે. જ્યારે દેશભરમાં કોઈ મુદ્દો ભાજપ વિરુદ્ધ ચાલતો હોય છે, ત્યારે રાહુલ ગાયબ થઈ જાય છે.’
AAPએ રાહુલ પર નિશાન સાધતાં કોંગ્રેસ આપ્યો વળતો જવાબ
આમ આદમી પાર્ટીના આક્ષેપો બાદ કોંગ્રેસની સોશિયલ મીડિયા પ્રમુખ સુપ્રિયા શ્રીનેતે (Supriya Shrinate) વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલ જી, તમારી પાર્ટી ખતમ થવાની કગાર પર છે. AAPએ ખોટા આક્ષેપો કરીને કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી, હવે જે શક્તિએ તેમને બનાવ્યા, તે જ શક્તિ તેમને ગળી રહી છે. જ્યારે ભ્રષ્ટાચારના આરોપોમાં કેજરીવાલ જેલમાં ગયા હતા, ત્યારે કોંગ્રેસ પરિવારે તેમના માટે અવાજ ઉઠાવ્યો અને તેમને ઈન્ડિ ગઠબંધનમાં સામેલ કર્યા હતા. આ વાતને હંમેશા યાદ રાખશો કે, આમ આદમી પાર્ટી જે ભાજપથી જન્મી છે, પોતે તે જ હાથોમાં જતી રહી છે.’
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર : કુપવાડામાં બે આતંકી ઠાર, સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો
ખડગેએ વાંગચુકની ધરપકડનો વિરોધ કર્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ પણ કેન્દ્ર સરકારની ટીકા કરીને વાંગચુકની ધરપકડનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘લદાખમાં સરકારની શરમજનક નિષ્ફળતા અને વાંગચુકની NSA હેઠળ ધરપકડનો કોંગ્રેસ વિરોધ કરે છે. લદ્દામાં એક વર્ષથી અશાંતિનો માહોલ છે, ત્યાંના લોકો છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર તેમની વાત સાંભળી રહી નથી અને કોઈ વાતચીત પણ કરી રહી નથી, તેનાથી ઊલ્ટું વિરોધ કરી રહેલા લોકોએ દમન અને હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી લદાખમાં શાંતિ ઈચ્છે છે.’
26મીએ વાંગચુકની ધરપકડ કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, લદાખના લેહમાં હિંસા (Ladakh Violence)ના ત્રણ દિવસ બાદ પોલીસે શુક્રવારે (26 સપ્ટેમ્બર, 2025) પર્યાવરણીય કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડ કરી હતી. તેમની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને જોધપુર જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેહમાં ઇન્ટરનેટ સેવા તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે લદાખમાં થયેલી હિંસાનું કારણ વાંગચુકના ઉશ્કેરણીજનક ભાષણોને ગણાવ્યું હતું.
આ પણ વાંચો : યૌન શોષણ કેસ: સ્વામી ચૈતન્યાનંદને 5 દિવસની પોલીસ કસ્ટડી, બચાવ પક્ષની તમામ દલીલો ફગાવાઈ