– મહાપાલિકાની સાધારણ સભામાં 6 ઠરાવ મંજૂર કરાયા
– જીએસટીના સ્લેબ ઘટાડતા શાસક ભાજપે કેન્દ્ર સરકારને અભિનંદન આપતો ઠરાવ મંજૂર કર્યો
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા આજે સોમવારે મળી હતી, જેમાં જીએસટીના ઠરાવ મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો અને વોકઆઉટ કર્યો હતો. સાધારણ સભામાં જુદા જુદા કામના ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. કેટલાક કામ મામલે નગરસેવકો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.
ભાવનગર મહાપાલિકાની સાધારણ સભા આજે સોમવારે સાંજે મેયરના અધ્યક્ષ સ્થાને મળી હતી. સાધારણ સભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ભાજપ-કોંગ્રેસના નગરસેવકોએ જુદા જુદા પ્રશ્ને સવાલો કરી અધિકારીઓ પાસે જવાબ માંગ્યા હતાં. સાધારણ સભામાં જુદા જુદા કામના ૬ ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં કેન્દ્રની ભાજપ સરકારે જીએસટીના સ્લેબ ઘટાડયા છે તેથી મહાપાલિકાના ભાજપ શાસકોએ સરકારને અભિનંદન આપવાનો ઠરાવ અધ્યક્ષ સ્થાને કર્યો હતો, જેના પગલે કોંગ્રેસ નગરસેવકોએ સવાલ ઉઠાવ્યાં હતાં. ભાજપ સરકારે અગાઉ જીએસટીના સ્લેબ વધુ રાખી કીડીને કોસનો ડામ આપ્યો હતો અને હવે સરકાર ભીંસમાં છે તેથી જીએસટીના સ્લેબ ઘટાડી રહી છે તેમ કોંગ્રેસ નગરસેવકોએ જણાવ્યુ હતું. જીએસટીના ઠરાવને કોંગ્રેસે સમર્થન આપ્યુ ન હતુ અને સાધારણ સભામાંથી વોકઆઉટ કર્યો હતો. ત્યારબાદ ભાજપ ઠરાવ મંજૂર કર્યો હતો.
ઉપરાંત એક કર્મચારીને આર્થિક સહાય ચુકવવી, તિલકનગર વિસ્તારમાં રહેણાંકીય હેતુના પ્લોટની લીઝપટ્ટાની મુદ્દત રીન્યુઅલ કરવાની મંજુરી આપવી, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૧૬૦ પૈકી ત્રીજા પ્રયત્ને ૪૩ દુકાનોની જાહેર હરરાજીથી નિકાલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવાની છે, જેની હકીકત જાહેર કરાઈ હતી. તરસમીયા કોમ્યુનીટી હોલનુ મહત્તમ દૈનિક ભાડુ નક્કી કરવા નિર્ણય કરાયો હતો. દેકારા પડકારા વચ્ચે સાધારણ સભા પૂર્ણ થઈ હતી.
શહેરના મોટાભાગના સર્કલ જાળવણીના અભાવે ખરાબ
ભાવનગર શહેરના મોટાભાગના સર્કલ જાળવણીના અભાવે ખરાબ હાલતમાં છે ત્યારે કેમ પગલા લેવામાં આવતા નથી ? તેમ કોંગ્રેસ નગરસેવકે સવાલ કર્યો હતો અને તેઓએ શિશુવિહાર સર્કલ, ભીલવાડા સર્કલના ઉદાહરણ આપ્યા હતાં. ઉદ્યોગપતીઓ મોટી મોટી વાતો કરે છે અને સર્કલ દત્તક આપી દેવાય છે પરંતુ વિકાસ કરાતો નથી. મહાપાલિકાના અધિકારીએ જવાબ આપતા જણાવ્યુ હતુ કે, ર૭ ગાર્ડન-સર્કલ દત્તક આપ્યા છે અને તપાસ પણ મહાપાલિકા દ્વારા કરાય છે. જાળવણી ન કરતા હોય તેને નોટિસ પણ આપવામાં આવી છે.
સેક્રેટરીના પદ પર બઢતી આપવા અધ્યક્ષ સ્થાનેથી નિર્ણય કરાયો
ભાવનગર મહાપાલિકામાં લાંબા સમયથી સેક્રેટરીનું પદ ખાલી હતુ અને ઈન્ચાર્જથી કામગીરી ચલાવવામાં આવતી હતી. સેક્રેટરીનો ચાર્જ છેલ્લા એક માસ કરતા વધુ સમયથી અધિકારી સત્યપાલસિંહ પરમાર છે અને તેઓને સેક્રેટરી પદ પર બઢતી આપવા આજે સાધારણ સભામાં અધ્યક્ષ સ્થાનેથી નિર્ણય કરવામાં આવ્યો હતો.
સમય મર્યાદામાં કામ થતા નથી તે પ્રશ્ને ચર્ચા જ ન થઈ
ભાવનગર મહાનગરપાલિકામાં મોટાભાગના કામ સમય મર્યાદામાં થતા નથી તેથી કોંગ્રેસ નગરસેવકે રૂ. ૧.પ૦ કરોડથી વધુના કયાં કામ સમય મર્યાદામાં થયા નથી તેની માહિતી માંગી હતી. આ માહિતી જવાબદાર વિભાગે કોંગ્રેસ નગરસેવકને આપી હતી પરંતુ પ્રશ્નોત્તરીકાળમાં સમયના અભાવે આ પ્રશ્ને ચર્ચા થઈ શકી ન હતી. પ૦ ટકા કામ સમય મર્યાદામાં થતા નથી અને આ પ્રશ્ન ન પુછાય તે માટે અન્ય ચર્ચા કરી સમય પસાર કરવામાં આવ્યો હતો તેમ કોંગ્રેસ નગરસેવક જયદિપસિંહ ગોહિલે જણાવ્યુ હતું.