– પાળિયાદ-રાણપુર હાઈ-વે પર બાબરકોટ ગામ નજીકનો બનાવ
– ઉમરાળા ગામના હીરાના કારખાનાનો સ્ટાફ કાગવડ ખાતે દર્શન કરી પરત ફરી રહ્યો હતો
ભાવનગર : બોટાદ જિલ્લાના પાળિયાદ-રાણપુર હાઈ-વે રોડ પર બાબરકોટ ગામ નજીક હાઈ-વે પર પાર્ક કરેલા ટ્રક પાછળ પ્રવાસીઓની બસ ઘુસી જતાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે આવેલા હીરાના કારખાનાનો સ્ટાફ ખોડલધામ કાગવડ ખાતે દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે મોડી રાતે અકસ્માત નડયો હતો. બનાવ અંગે પાળિયાદ પોલીસ મથકમાં ટ્રકના ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે હિરાનું કારખાનું ચલાવતા મુકેશભાઈ બુધાભાઈ ગોહિલ ગતરોજ તેમના કારખાને બેસતા ૪૦થી ૪૨ કારીગરો તથા મેનેજરોને લઈને ખોડલધામ કાગવડ ખાતે ખાનગી બસ બાંધીને દર્શન કરવા માટે ગયા હતા અને પરત આવતી વખતે બોટાદના બાબરકોટ ગામ નજીક પાળિયાદ-રાણપુર હાઈ-વે પર પાર્કિંગ લાઈટ ચાલુ કર્યાં વિના રેડિયમ સ્ટિકર સ્પષ્ટ દેખાય નહી તે રીતે નહી લગાવી ભયજનક રીતે પાર્ક કરેલા જીજે-૧૬-એવાય-૦૭૨૮ નંબરના ટ્રક પાછળ તેમની જીજે-૦૯-એક્સ-૮૯૧૦ નંબરની બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મુકેશભાઈ બુધાભાઈ ગોહિલ અને અલ્પેશભાઈ બચુભાઈ વસાણીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ બસમાં સવાર અશોકભાઈ નામના મુસાફરને ઈજાઓ પહોંચતા અમદાવાદ રિફર કર્યાં હતા. જ્યારે અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ભાવનગર અને બોટાદની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પાળિયાદ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવા તથા મૃતકોને પીએમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે લક્ઝરિ બસના કુરચા બોલી ગયા હતા. બનાવ અંગે ઘનશ્યામભાઈ વશરામભાઈ ગોહિલ (રહે.ઉમરાળા, તા.રાણપુર)એ પાળિયાદ પોલીસ મથકમાં જીજે-૧૬-એવાય-૦૭૨૮ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરાર ડ્રાઈવરને ઝડપી લેવા પોલીસની 3 ટીમો કાર્યરત : પાળીયાદ પીઆઈ
પાળિયાદ-રાણપુર હાઈ-વે પર ગત મોડી રાતે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાં છે અને ૧૩ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ટ્રક બંધ પડી ગયો હોવાથી ડ્રાઈવર હાઈ-વે પર ટ્રકને પાર્ક કરીને ચાલ્યો ગયો હતો. ફરાર ડ્રાઈવરને શોધવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજીની અલગ-અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી હોવાનું પાળિયાદ પીઆઈએ જણાવ્યું હતું.