વડોદરા,વડોદરાથી તમિલનાડુ વતન ખાતે કાર પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટ કંપનીને ભાડુ ચૂકવી દેવા છતાંય કાર વતન પહોંચી નહતી. જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડસર રોડ ડ્રીમ આત્મનમાં રહેતા દેવરાજન અતિઅપ્પન મૂળ તમિલનાડુના વતની છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારી કાર મારા વતન તમિલનાડુ મોકલવાની હોઇ તમિલનાડુ ખાતે ટ્રાન્સપોર્ટનું કામ કરતા ટ્રાન્સપોર્ટરનો નંબર ગૂગલ પરથી લઇ સંપર્ક કર્યો હતો. નક્કા કરેલું ભાડુ ૩૮,૩૨૦ રૃપિયા મેં ગૂગલ પે થી નીતિન સોમબીર સિંઘ (રહે.સૌરસી ગામ, જિ.ભીવંડી, હરિયાણા) ને ચૂકવી દીધું હતું. તેમણે મને હરિયાણાની અગ્રવાલ ટ્રાન્સપોર્ટ કંપનીની રિસિપ્ટ તેમજ અન્ય કાગળો મોકલ્યા હતા. ગત ૧૮ મે ના રોજ અમદાવાદથી એક ડ્રાઇવર કાર લેવા માટે આવ્યો હતો. ત્યારબાદ મારી કાર અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મારી કાર સેલમ પહોંચી ગઇ છે અને ડ્રાઇવર તે કાર લઇને નીકળી ગયો છે. તે ડ્રાઇવરનો મોબાઇલ નંબર મને આપ્યો હતો. તે નંબર પર મેં કોલ કરતા ડ્રાઇવરે જણાવ્યું હતું કે, મને પૈસા આપો તો તમારી કાર તમારા ઘરે લઇ જઇશ. મેં પૈસા આપવાની ના પાડતા મારી કાર ગાયબ કરી દીધી છે. સેલમ ટ્રાન્સપોર્ટ વાળા ભાઇ પણ મારો કોલ રિસિવ કરતા નથી.