Vadodara :સરકારની યોજના અંતર્ગત વર્ષમાં બે વખત નેશનલ ડી વોર્મિંગ ડે (રાષ્ટ્રીય કૃમિનાશક દિન)ની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં પ્રતિ વર્ષ આ ઉજવણી ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં થતી હોય છે. પરંતુ ચોક્કસ કારણોસર આ વર્ષે એની ઉજવણી સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં થયેલ ઉજવણીમાં થયેલી કામગીરીનો ખોટો આંક આરોગ્ય વિભાગે રાજ્ય સરકારને પાઠવી દીધો હોવાની ચર્ચા છે!
દેશભરમાં પ્રતિ વર્ષ બે વખત રાષ્ટ્રીય કૃમિ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. નાના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેની ઉજવણી અંતર્ગત દરેક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને આરોગ્ય વિભાગ તરફથી કૃમિનાશકની દવા આપવામાં આવતી હોય છે. આ વર્ષે નેશનલ ડી વોર્મિંગ ડે ફેબ્રુઆરી બાદ ઓગસ્ટ મહિનાના બદલે તાજેતરમાં સપ્ટેમ્બર મહિનામાં યોજાયો હતો. એમાં અનેક શાળાઓમાં કૃમિનાશક દવા મોકલવામાં આવી ન હતી. દર વર્ષે રાજ્ય સરકારનું ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ (જીએમએસએલ) દ્વારા પાઠવાયેલી દવા દરેક શાળાને આરોગ્ય વિભાગ દ્વારા પાઠવવામાં આવતી હોય છે અને દરેક શાળાના બાળકોને તે દવા વિનામૂલ્યે પીવડાવવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે અંદાજે 25થી 30 ટકા જેટલી કામગીરી થઈ હોવાની ચર્ચા છે. છતાં આરોગ્ય વિભાગે 85%થી વધુ કામગીરી થઈ હોવાનો અહેવાલ રાજ્ય સરકારને પાછી દીધો હતો. જિલ્લા આરોગ્ય વિભાગ અને પાલિકા પાસે કૃમિની દવાનો યોગ્ય માત્રામાં જથ્થો ઉપલબ્ધ હતો જ નહીં કે 85 ટકા જેટલી કામગીરી થઈ શકે તેમ છતાં સજ્જડ કામગીરી દર્શાવવા મોટા આંકડા પ્રસ્તુત કરી દેવાયા છે.
અગાઉ આરોગ્ય વિભાગે ફોગિંગની કામગીરીમાં પણ કાગળ પર ઘોડા દોડાવ્યા હતા
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા થતી અનેક કામગીરી હંમેશા ચર્ચામાં રહી છે. ખાસ કરીને પૂરગ્રસ્ત વિસ્તારમાં અથવા વરસાદ ટાણે દવાના છંટકાવ તેમજ ફોગિંગની કામગીરીમાં ખૂબ ગોટાળા થઈ રહ્યા હોવાની ચર્ચા છે. થોડા સમય પૂર્વે આરોગ્ય વિભાગે ફોગિંગની કરેલી કામગીરીમાં આડેધડ સ્થળો દર્શાવવામાં આવ્યા હતા. જે જગ્યાએ ફોગિંગ થયું ન હતું ત્યાં પણ ફોગિંગ થઈ ગયું હોવાનું દર્શાવી કાગળ પર ઘોડા દોડાવવાના પ્રયાસો આરોગ્ય વિભાગ દ્વારા કરાયા હતા. આ બાબતે પાલિકાના અધિકારીઓ અને નાગરિકો છેતરાઈ ગયા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.