Valsad Flood: રાજ્યમાં ફરી મેધરાજાએ અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં 66 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
પાણી ભરાયેલા કોઝવે કે બ્રિજ પરથી પસાર ન તંત્રની અપીલ
જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા આ તમામ બ્રિજોને પણ બંધ કરવામાં આવ્યા છે. સલામતીના ભાગ રુપે તંત્ર તરફથી લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, પાણી ભરાયેલા કોઝવે કે બ્રિજ પરથી પસાર ન થવું.
વલસાડમાં ભારે પવન સાથે વરસાદ
જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા બંધ થઈ જતાં આશરે 25 હજાર લોકો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. તો બે દિવસથી કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મલિયાધરા, મજીગામ, તળાવચોરા, તેજલાવ સહિતનાં 23 ગામોમાં ભારે તારાજી જોવા મળી છે. એક માહિતી પ્રમાણે 23 ગામના અંદાજિત 1500 ઘરોના પતરાં ઊડી ગયાના હોવાના સમાચાર છે.
વલસાડ જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેતા વહીવટી તંત્ર સતર્કતા સાથે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ક્વોરી એસોસિયેશન દ્વારા ચીખલી માટે 80 હજાર ફૂડ પેકેટ અને તાડપત્રીની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ ઘરો પરથી સોલાર પેનલો ઉડીને નીચે પડતાં મોટું નુકસાન થવા પામ્યું છે.
વાવાઝોડાને લઈને સાંસદે પેકેજની માગ કરી
વલસાડ લોકસભા વિસ્તારમાં થયેલી વાવાઝોડાં સાથેની અતિવૃષ્ટિના પગલે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરવા માટે જિલ્લાના સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.