Actor Vijay Rally Stampede: તમિલનાડુના કરૂરમાં 27 સપ્ટેમ્બરની રાત્રે અભિનેતામાંથી નેતા બનેલા વિજયની ચૂંટણી રેલીમાં સર્જાયેલી નાસભાગ મામલે એફઆઈઆર નોંધાઈ છે. આ દુર્ઘટનામાં 41 લોકોના મોત થયા હતા, અને 80થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. એફઆઈઆરમાં ટીવીકે ચીફ વિજય અને તેમના પક્ષના ત્રણ અન્ય નેતાઓને આ દુર્ઘટનામાં જવાબદાર ઠેરવ્યા છે.
પોલીસે ટીવીકેના જિલ્લા સચિવ મથિયાઝગન, રાજ્ય મહાસચિવ બુશી આનંદ અને રાજ્ય સંયુક્ત સચિવ સીટીઆર નિર્મલ કુમાર વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110, 125 (બી), 223 અને તમિલનાડુ જાહેર સંપત્તિ અધિનિયમની કલમ 3 હેઠળ કેસ નોંધ્યો છે.
એફઆઈઆરમાં મૂકાયો આ આરોપ
એફઆઈઆરમાં આરોપ મૂકાયો છે કે, વિજયની રેલી માટે અગિયાર શરતો નક્કી કરવામાં આવી હતી, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે 500 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યે વિજયના રેલીમાં આગમનની જાહેરાત થતાં સવારે 10 વાગ્યાથી જ સ્થળ પર ભીડ એકઠી થવા લાગી હતી. મથિયાઝગને 10,000 લોકોની ભીડ માટે પરવાનગી માંગી હતી, પરંતુ આ નાની જગ્યામાં 25,000થી વધુ લોકો ઉપસ્થિત હતાં.
આ પણ વાંચોઃ ‘મૃતકોના પરિજનોને 20-20 લાખની સહાય’, કરુર રેલીમાં નાસભાગ બાદ એક્ટર વિજયની જાહેરાત
સાંજે 4.45 વાગ્યે પહોંચી ગયા હોવા છતાં…
એફઆઈઆરમાં વધુમાં જણાવ્યું કે, વિજય સાંજે 4.45 વાગ્યે કરૂર જિલ્લામાં પહોંચી ગયા હતા. પરંતુ રેલી સ્થળ પર જાણીજોઈને મોડા પહોંચ્યા. તેમજ પરવાનગી વિના રોડ શો કર્યો. વહીવટીતંત્ર દ્વારા રેલી માટે નક્કી કરાયેલી શરતોનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે જનતા અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં પોલીસને અસુવિધા થઈ. વિજયની બસ સાંજે 7 વાગ્યે વેલુચમીપુરમ પહોંચી, પરંતુ રેલીમાં પહોંચવામાં જાણી જોઈને વિલંબ કરતાં ભીડ સતત વધી રહી હતી.
TVK નેતાઓએ એલર્ટને અવગણ્યું
પોલીસ અધિકારીઓએ મથિયાઝગન, બુશી આનંદ, અને સીટીઆર નિર્મલ કુમારને એલર્ટ આપ્યું હતું કે, ભીડના કારણે સ્થિતિ અંકુશ બહાર થઈ રહી છે, જેનાથી લોકોના શ્વાસ રૂંધાવા, શારીરિક જોખમ વધ્યું છે. પરંતુ ટીવીકેના નેતાઓએ આ ચેતવણીને અવગણી. એફઆઈઆર મુજબ, ટીવીકે નેતાઓના કાર્યકરોએ યોગ્ય રીતે વ્યવસ્થા કરી ન હતી. જેથી સ્થિતિ વણસી હતી. લોકો ઝાડની ડાળીઓ અને રસ્તાની બાજુમાં આવેલી દુકાનોના શેડ પર ચઢી ગયા. ઘણા ઝાડ પરથી નીચે પડ્યા હતા. ભીડમાં ફસાઈ ગયા હતા, જેના લીધે નાસભાગ થઈ હતી.
વિજયે ચાર કલાક મોડા એન્ટ્રી લીધી
FIR માં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિજયને બપોરે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યક્રમ યોજવાની પરવાનગી હતી, પરંતુ તે કરુર જિલ્લાની સરહદમાં ચાર કલાક મોડા પ્રવેશ્યો હતો. આ વિલંબ જાણી જોઈને મોટી ભીડને રેલીમાં આકર્ષવા અને તેને રાજકીય બળ તરીકે રજૂ કરવા માટે કરવામાં આવ્યો હતો. હજારો લોકો વિજયની રાહ જોતા તડકામાં ઉભા હતા, જેના કારણે ઘણા લોકો ડિહાઈડ્રેટ અને બેભાન થયા હતાં. આ નાસભાગમાં 41 લોકોના મોત થયા હતા, જ્યારે 80 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.