– 10થી પણ ઓછા લોકોની ટીમે ચિપ બનાવી
– સંપૂર્ણ રીતે ભારતીય ટેકનિક પર આધારિત ભારતની પ્રથમ એઆઇ ચિપનું તેલંગાણામાં નિર્માણ કરાયું
હૈદરાબાદ: હૈદરાબાદમાં આયોજિત ટી ચિપ સેમિકોન કોન્સ્ટિટયુશનલ સમિટમાં ભારતની પ્રથમ એઆઇ ચિપ જોવા મળી હતી. આ ચિપ સંપૂર્ણ રીતે ભારતીય ટેકનિકથી બનાવવામાં આવી છે. આ સિદ્ધિને એટલા માટે મોટી ગણવામાં આવી રહી છે કારણકે તે ભારતના સેમિકન્ડકટર ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટું પગલું છે. આ ચિપ તેલંગણામાં તૈયાર કરવામાં આવી છે. હૈદરાબાદની આઇઆઇટીથી આવેલ ઇનોવેટર દિનેશે જણાવ્યું હતુ કે, ચિપ એઆઇને ઝડપથી પ્રોસેસ કરવા અને સુરક્ષિત રાખવામાં સક્ષમ છે. આ ચિપને બનાવવામાં ૧૦થી પણ ઓછા લોકોની એક નાની ટીમે કામ કર્યુ છે. છેલ્લા કેટલાક સમયથી ભારતના પાડોશી દેશ ચીને ચિપ માટે પોતાને મજબૂત કર્યુ છે. ભારત પણ આ દિશામાં આગળ વધી શકે છે. દિનેશનું માનવું છે કે આ ચિપ દ્વારા ભારતમાં સ્ટાર્ટઅપ અને શિક્ષણ સંસ્થાઓને સસ્તા ભાવે એઆઇ હાર્ડવેર મળી શકશે. તેમણે જણાવ્યું હતું કે એનવીડિયા અથવા ઇન્ટેલ જેવા હાર્ડવેર ખૂબ જ મોંઘા છે. જેના કારણે અમારા નાણાં વિદેશમાં જાય છે.
આપણે આપણું પોતાનું સસ્તું અને સારું હાર્ડવેર બનાવી આત્મનિર્ભર બની શકીએ છીએ. આ ચિપ ખર્ચમાં ઘટાડો કરશે અને ભારતને ટેકનિકલ ક્ષેત્રમાં મજબૂત બનાવશે.
હૈદરાબાદમાં આયોજિત ટી-ચિપ (ટેકનોલોજી ચિપ ઇનોવેશન પ્રોગ્રામ) સેમિકોન કન્સ્ટીટયુશન સમિટના અંતે તેલંગણાના આઇટી પ્રધાન શ્રીધર બાબુ દુદિલ્લાએ જણાવ્યું હતું કે યુવાનોમાં ટેલેન્ટ હોવાથી અહીં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું મોટા પાયે વિકાસની સંભાવના છે.
હવે મોટા પાયે ચિપના મેન્યુફેકચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સેક્ટરને આગળ વધારવા રાજ્ય સરકારે અનેક નીતિઓ ઘડી છે. જેમાં સેમિકન્ડકટર ઇન્ડસ્ટ્રીને ઇન્સેન્ટીવ અને સબસિડી આપવી સામેલ છે. આ પ્રસંગે પ્રધાને તેલંગણા ઇન્ફરમેશન ટેકનોલોજી એસોસિએશન (ટીઆઇટીએ)ની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે ટીઆઇટીએ દ્વારા જ આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.