બિહારની જેમ દેશભરમાં અનેક મતદારોની બાદબાકી થવાનો આરોપ
1987 બાદ જન્મેલા લોકો પાસે માતા-પિતાની નાગરિકતાના દસ્તાવેજો માગવામાં આવી રહ્યા હોવાનો દાવો
તિરૂવનંતપુરમ: ચૂંટણી પંચ બિહાર બાદ હવે અન્ય રાજ્યોમાં પણ મતદારોનું વેરિફિકેશન કરવા જઇ રહ્યું છે. જેની સામે કેટલાક રાજ્યો વિરોધ કરી રહ્યા છે. આ રાજ્યોમાં દક્ષિણ રાજ્ય કેરળ પણ જોડાયું છે. કેરળે મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆર સામે વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો છે અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ કહ્યું છે કે મતદારોનું વેરિફિકેશન એનઆરસી લાગુ કરવાની એક ચાલ છે.
કેરળ વિધાનસભાએ સોમવારે સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કર્યો હતો જેને મુખ્યમંત્રી પિનરાઇ વિજયન દ્વારા વિધાનસભામાં રજુ કરવામાં આવ્યો હતો. વિપક્ષે કેટલાક સંશોધનની ભલામણ કરી હતી જેને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી. પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન એક રીતે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એનસીઆરની ચાલાકીભરી કોપી છે. બિહારમાં ચાલી રહેલી એસઆઇઆર પ્રક્રિયાએ આ શંકાને વધુ ગંભીર બનાવી દીધી છે. પ્રસ્તાવમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બિહારની મતદાર યાદીમાં સંશોધનને બહિષ્કરણની રાજનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે. મતદાર યાદીમાં નામોને કોઇ જ મજબુત કારણ વગર હટાવવામાં આવ્યા હવે આ જ રસ્તો રાષ્ટ્રીય સ્તરે અપનાવવામાં આવી શકે છે. એટલે કે રાષ્ટ્રીય સ્તરે પણ મોટી સંખ્યામાં મતદારોની છટણી કરવામાં આવી શકે છે. કેરળ વિધાનસભામાં પસાર કરાયેલા આ પ્રસ્તાવમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ૧૯૮૭ બાદ જન્મેલા લોકો પાસેથી મતદાન કરવા માટે પોતાના માતા પિતાની નાગરિકતાના દસ્તાવેજો માગવામાં આવી રહ્યા છે. જ્યારે ૨૦૦૩ બાદ જન્મેલા લોકો માટે માતા અને પિતા બન્નેના દસ્તાવેજો રજુ કરવા ફરજિયાત છે. આ જોગવાઇઓ બંધારણની વિરુદ્ધ છે.