10,000ની મંજૂરી સામે 25,000થી વધુ લોકો એકત્ર
ટીવીકેના પ્રમુખ વિજય અને પાર્ટીના ત્રણ અન્ય નેતાઓને દુર્ઘટના માટે જવાબદાર ઠેરવાયા
ચેન્નાઇ: તમિલનાડુના કરુરમાં ૨૭ સપ્ટેમ્બરની રાતે અભિનેતાથી નેતા બનેલા વિજયની ચૂંટણી રેલી દરમિયાન થયેલ ધક્કામુક્કીના કેસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ ધક્કામુક્કીમાં ૪૧ લોકોનાં મોત થયા હતાં અને ૮૦ લોકો ઘાયલ થયા હતાં.
એફઆઇઆરમાં ટીવીકે ચીફ વિજય અને તેમના પાર્ટીના ત્રણ અન્ય નેતાઓને આ દુર્ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
પોલીસે ટીવીકેના જિલ્લા સચિવ મથિયાઝગન, રાજ્ય મહાસચિવ બુશી આનંદ અને રાજ્ય સંયુક્ત સચિવ સીટીઆર નિર્મલકુમારની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫, ૧૧૦, ૧૨૫(બી), ૨૨૩ અને તમિલનાડુ જાહેર સંપત્તિ કાયદાની કલમ ૩ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું છે કે વિજયની રેલી માટે ૧૧ શરતો નક્કી કરવામાં આવી હતી. સુરક્ષા અને ટ્રાફિકની વ્યવસ્થા માટે ૫૦૦ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતાં. એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું છે કે મીડિયામાં વિજયને બપોરે ૧૨ વાગ્યે રેલીમાં આવવાની જાહેરાત કરી હતી. જો કે સવારે ૧૦ વાગ્યાથી જ ભીડ જમા થવા લાગી હતી. મથિયાઝનને ૧૦,૦૦૦ લોકો માટે પરવાનગી માંગી હતી. જો કે ૨૫,૦૦૦થી વધુ લોકો એકત્ર થઇ ગયા હતાં. એફઆઇઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વિજય ઇરાદાપૂર્વક રેલીમાં મોડા પહોંચ્યા હતાં.
તેમણે મંજૂરી વગર રોડશોનું આયોજન કર્યુ હતું. વહીવટી તંત્ર તરફથી રેલી માટે નક્કી કરવામાં આવેલી શરતોનું પાલન કરવામાં આવ્યું ન હતું.