મુંબઈ : નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા હાલમાં ચાલી રહેલા ફેસ્ટિવલ સેલમાં ઓનલાઈન ખરીદીમાં વધારા સાથે ક્રેડિટ કાર્ડસનો ઉપયોગ પણ ઓલટાઈમ હાઈ સપાટીએ જોવા મળી રહ્યો છે.
વર્તમાન સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થવાને એક દિવસની વાર છે ત્યારે સંપૂર્ણ મહિનામાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચનો આંક રૂપિયા ૧.૨૦ લાખ કરોડ સાથેૈ ઓલટાઈમ હાઈ જોવા મળવાની અપેક્ષા છે.
વર્તમાન મહિનાના ગયા સપ્તાહના અંત સુધીમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચનો આંક રૂપિયા ૧.૦૩ લાખ કરોડરહ્યો હતો જે ગયા વર્ષના સંપૂર્ણ સપ્ટેમ્બરમાં રૂપિયા ૧,૦૦,૪૮૨ કરોડ રહ્યો હતો અને ગયા વર્ષના ઓકટોબરમાં આ આંક રૂપિયા ૧૦૬,૬૬૦ કરોડ જોવા મળ્યો હતો.
વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ રૂપિયા ૧.૧૫ લાખ કરોડથી રૂપિયા ૧.૨૦ લાખ કરોડની વચ્ચે રહેવા ધારણાં છે જે અત્યારસુધીની ઊંચી સપાટી હશે એમ બેન્કિંગ ક્ષેત્રના વર્તુળો જણાવી રહ્યા છે.
વર્તમાન વર્ષની નવરાત્રીના પ્રથમ જ દિવસે એટલે કે ૨૨ સપ્ટેમ્બરના ઓનલાઈન ક્રેડિટ કાર્ડસ મારફત રૂપિયા ૧૦,૦૦૦ કરોડથી વધુની ખરીદી જોવા મળી હતી. દેશમાં જીએસટીના ઘટાડાનો પ્રથમ દિવસ પણ ૨૨ સપ્ટેમ્બર હતો.
ગયા વર્ષે દશેરા તથા દિવાળી બન્ને ઓકટોબરમાં હતા અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર સેલ પણ વહેલા શરૂ કરાયા હતા.
જીએસટી દર માળખામાં ફેરબદલને કારણે કાર, ટીવીથી લઈને અનેક પ્રકારની મોજશોખની ચીજવસ્તુઓની ખરીદીમાં આકર્ષણ વધ્યું છે. વાહનો પરના જીએસટી દર ૨૮ ટકા પરથી ઘટાડી ૧૮ ટકા કરાતા ઓટો કંપનીઓને સૌથી વધુ લાભ થયાનું પ્રારંભિક સંકેતોમાં જણાય છે.