– વોર્ડ પ્રમુખનુ કોકડુ સવા માસથી ગુચવાયુ હતુ, 50 કાર્યકરે દાવેદારી કરી હતી
– 8 વોર્ડ પ્રમુખને રિપિટ કર્યા, 5 વોર્ડમાં નવા કાર્યકરોને તક અપાઈ
ભાવનગર : કોંગ્રેસમાં સંગઠન વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ભાવનગર શહેરમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખના નામ આજે સોમવારે લાંબા વિલંબ બાદ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના વોર્ડ પ્રમુખને રિપિટ કરવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે.
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિનુ નવુ સંગઠન બનાવવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. શહેરના ૧૩ વોર્ડમાં પ્રમુખની પસંદગી પ્રક્રિયા સવા માસ પૂર્વે હાથ ધરવામાં આવી હતી. લાંબા વિલંબ બાદ આજે સોમવારે વોર્ડ પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ચિત્રા-ફુલસર-નારી વોર્ડમાં નટુભાઈ રાઠોડ, કુંભારવાડા વોર્ડમાં રાઘવ ભાદાણી, વડવા-બ વોર્ડમાં જયદીપસિંહ ગોહિલ, કરચલીયા પરા વોર્ડમાં સાગર ચુડાસમા, ઉત્તર કૃષ્ણનગર-રૂવા વોર્ડમાં આકાશ સોલંકી, પીરછલ્લા વોર્ડમાં ઈબ્રાહીમ સરવૈયા, તખ્તેશ્વર વોર્ડમાં સુરેશ બારૈયા, વડવા-અ વોર્ડમાં જીતેન્દ્ર પટેલ, બોરતળાવ વોર્ડમાં દિગ્વિજયસિંહ ઝાલા, કાળીયાબીડ-સીદસર-અધેવાડા વોર્ડમાં પ્રભાત પંડયા, દક્ષિણ સરદારનગર-અધેવાડા વોર્ડમાં પારસ દેસાઈ, ઉત્તર સરદારનગર-તરસમીયા વોર્ડમાં હુસૈન સરવૈયા અને ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડમાં નીલેશ ઢાપાનો સમાવેશ થાય છે.
ભાવનગર શહેરમાં વોર્ડ પ્રમુખ બનવા માટે આશરે પ૦ કાર્યકરે દાવેદારી નોંધાવી હતી પરંતુ કોંગ્રેસે ૮ વોર્ડ પ્રમુખની કામગીરી ધ્યાને લઈ રિપિટ કર્યા હતા અને પ વોર્ડમાં નવા કાર્યકરોને તક આપી હોવાનુ જાણવા મળેલ છે.
જ્ઞાતી સમીકરણના આધારે વોર્ડ પ્રમુખની પસંદગી
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ પણ જ્ઞાતી સમીકરણના આધારે વોર્ડ પ્રમુખની નિમણુંક કરી છે, જેમાં ક્ષત્રિય, મુસ્લિમ, બ્રાહ્મણ, પટેલ સહિતના કેટલાક સમાજના વ્યકિતઓનો સમાવેશ થાય છે. વોર્ડ પ્રમુખમાં યુવાનોને તક આપવાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. વોર્ડ પ્રમુખમાં સ્થાન નહીં મળતા કેટલાક કાર્યકરોમાં નારાજગી હોવાનુ ચર્ચાય રહ્યુ છે.