Rain In Gujarat: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના પગલે નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો. જૂનાગઢના માંગરોળ તાલુકામાં સર્વાધિક 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. તાલાલામાં 2.2 ઈંચ, કેશોદમાં 2.1 ઈંચ, માળિયા હાટીનામાં 2.1 ઈંચ, ઉનામાં 2 ઈંચ, પાટણ-વેરાવળમાં 1.5 ઈંચ, સૂત્રાપાડામાં 1.4 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં 1.1 ઈંચ, ખેડબ્રહ્મામાં 1.1 ઈંચ, કોડીનારમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જેમાં 41 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકાઓમાં 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતના 7 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, મંગળવારે (30મી સપ્ટેમ્બર) રાજ્યના 7 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચો: ટેકાના ભાવે મગફળી ખરીદવી કે નહીં, ખુદ સરકાર જ અસમંજસમાં: ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા
રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 115 ટકા વરસાદ
બીજી તરફ માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 115.10 ટકા થયો છે. કચ્છમાં 140.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ મધ્યમાં 115.57 ટકા, સૌરાષ્ટ્રમાં 101.96 ટકા, દક્ષિણ ગુજરાતમાં 121.72 ટકા વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમ 98 ટકા ભરાયયેલો છે. રાજ્યના 206 જળાશયોમાં 95.30 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે.