નવી બોડીનાં એકપણ કામનો હજુ સુધી વર્કઓર્ડર નથી નીકળ્યો : સ્વભંડોળમાંથી પગારનું ચૂકવણું થાય ત્યાં તિજોરી ડૂકી જાય છે : 60 નગરસેવકોએ અંદાજિત 5 5લાખના કામ સૂચવ્યાં છે
જૂનાગઢ, : જૂનાગઢ મનપાની તિજોરી તળીયા ઝાટક થઈ જાય છે. 60 નગરસેવકોએ સ્વભંડોળમાંથી સુચવેલા અંદાજીત ત્રણેક કરોડના વિકાસ કામનો હજુ વર્ક ઓર્ડર નીકળતો નથી. અગાઉની બોડીએ સુચવેલા કામ ચાલી રહ્યા છે. નવા કામ કરવા માટે મનપાની તિજોરી ખાલી હોવાથી મુશ્કેલી પડી રહી છે. સ્વભંડોળમાંથી આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ બેઈઝ, રોજમદાર અને કાયમી કર્મચારીઓને પગાર ચુકવવામાં પણ નાકે દમ આવી જાય છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થિતિ દિવસે-દિવસે કથળતી જાય છે. નવી બોડી આવ્યાને પાંચથી છ માસ જેટલો સમય થયો છે. નવા આવેલા નગરસેવકોએ તેમને મળતી વાર્ષિક 10 લાખ રૂપીયા જેટલી ગ્રાન્ટમાંથી તમામ નગરસેવકે અંદાજીત 5-5 લાખ રૂપીયાના અલગ-અલગ કામ સુચવ્યા છે. નગરસેવકોને જે ગ્રાન્ટ મળે અને તેના જે કામ કરવાના થાય તે સ્વભંડોળમાંથી કરવાના થાય છે. સ્વભંડોળની હાલત તળીયા ઝાટક જેવી હોવાથી નવી બોડીના જે નગરસેવકોએ કામ સુચવ્યા છે તેમાંથી એકપણ કામનો હજુ સુધી વર્કઓર્ડર નીકળ્યો નથી. આવી હાલતના કારણે નગરસેવકોમાં પણ રોષ છે.
શહેરીજનો કરોડોનો ટેક્ષ ભરી રહ્યા છે તે ટેક્ષના પૈસામાંથી અધિકારી અને કર્મચારીઓનો પગાર થાય અને એ સિવાયના જરૂરી કામ કરે ત્યાં તિજોરી ડુકી જતી હોવાથી નગરસેવકોએ સુચવેલા કામ ટલ્લે ચડી રહ્યા છે. નગરસેવકોએ તેમના વિસ્તારની પાયાની જરૂરીયાત એવા નાના-મોટા કામ જેવા કે બાકડા, બાકી રહી ગયેલા રસ્તાના નાના-નાના ટુકડા, પાણીની લાઈન સહિતના અનેક કામ થતા નથી. અમુક અધિકારીઓ દ્વારા આડેધડ કરવામાં આવતા ખર્ચાઓના કારણે મનપાની તિજોરીને મોટું ભારણ ભોગવવું પડે છે. આવી સ્થિતિના લીધે નગરસેવકોમાં પણ નારાજગી વ્યાપી છે.