Rajkot News : રાજકોટ જિલ્લામાં શ્વાનનો આતંક યથાવત છે. સોમવારે શાપર-વેરાવળમાં એક અત્યંત કરુણ ઘટના બની છે, એક રખડતા શ્વાને પાંચ વર્ષની માસૂમ બાળકીનો ભોગ લીધો છે. આ ઘટના બાદ બાળકીના પરિવારના સભ્યો આઘાત અને શોકમાં સ્તબ્ધ થઈ ગયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ શાપર-વેરાવળમાં ભૂમિ ગેઈટ નજીક ગોલ્ડન સ્ટાર કંપની પાસે સોમવારે સવારે આઠેક વાગ્યે વિરલ અંબુભાઈ વિણામા નામની પાંચ વર્ષની બાળકી રમી રહી હતી. ત્યારે રખડતા શ્વાને તેની ઉપર હુમલો કર્યા બાદ ગળાના ભાગે બટકુ ભરી લીધું હતું. જેને કારણે તે ભાગમાં દાંત બેસી ગયા હતા. લોહી પણ નીકળવા લાગ્યું હતું. જેથી તેને શાપરની હોસ્પિટલમાં સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટની સિવિલમાં ખસેડાતા તબીબોએ મૃત જાહેર કરી હતી.
ભોગ બનનાર બાળકી વિરલ મધ્યપ્રદેશની વતની છે. હજુ ચાર દિવસ પહેલા જ શાપર રહેતા દાદા મુકેશભાઈના ઘરે રહેવા આવી હતી. સોમવારે ઘર પાસે રમતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. જે શ્વાને ભોગ લીધો હતો તેને દરરોજ ભોગ બનનાર બાળકીના પરિવારજનો અને આસપાસના લોકો રોટલી ખવડાવતા હતા. શાપર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ પરી છે.
આ ઘટનાએ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં શ્વાનના વધતા આતંક પર ગંભીર ચિંતા ઊભી કરી છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થતી અટકાવી શકાય.