Surat : સુરત શહેરને જળસંચય માટે આદર્શ બનાવીને જળસંચય માટે અનેક પ્રયાસ થઈ રહ્યાં છે આ પ્રયાસ વચ્ચે શહેરના લિંબાયત વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ છતાં પણ તે બંધ કરવામાં આવ્યું નથી. પાલિકાની નબળી કામગીરીના કારણે છેલ્લા ચાર દિવસથી હજારો લીટર પાણી રોડ પર વહી રહ્યું છે. આ પાણી રોડ પર ભરાયેલું હોવાથી વાચન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં પ્રતાપ નગર વિસ્તાર આવ્યો છે અને આ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણીની લાઈનમાં લીકેજ થઈ રહ્યું છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે કે, આ લીકેજના કારણે મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોય તેમ પાણી ભરાયેલા હોય છે. આ પાણી લીકેજ ની ફરિયાદ પાલિકાને કરવામા આવી છે પરંતુ ચાર દિવસ થયા છતાં પણ હજી રીપેરીંગ કામગીરી થઈ ન હોવાથી લોકોની મુશ્કેલી વધી રહી છે.
રસ્તાઓ પર ભરાયેલા પાણીના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. લીકેજ રિપેર નહી કરતા રોજ હજારો લિટર પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં જઈ રહ્યું છે. જ્યાં પાણીનો ભરાવો થાય છે તે વિસ્તારમાં જ માર્કટેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે અને આ મંદિરે રોજ સંખ્યાબંધ ભક્તો દર્શન માટે આવે છે તેઓને પણ સમસ્યા થઈ રહી છે તેથી આ પાણીનું લીકેજ તાકીદે રીપેર કરવામાં આવે તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યાં છે.