Surat Corporation : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે. આ ફાફડા જલેબી લોકોના આરોગ્ય માટે સુરક્ષિત છે કે નહીં તે જાણવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. સુરત પાલિકાના ફુડ વિભાગની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરસાણું વેચાણ કરતી દુકાનોમાં ચકાસણી કરી અને ફાફડા જલેબીના સેમ્પલ લીધા છે અને ચકાશણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
ખાણીપીણીના શોખીન સુરતીઓ દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જતા હોય છે. આ દિવસે ફાફડા અને જલેબીને વેચાણમાં ભારે ઉછાળો આવે છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબીની ભારે ડિમાન્ડ હોવાથી ફરસાણ વેચાણ કરનારા વેપારીઓની દુકાને લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબી ના વેચાણમાં તેજી હોવાથી ફરસાણ બનાવનારા સાથે-સાથે ફાફડા જલેબીનું વેચાણ કરે છે. મોટી સંખ્યામાં ફાફડા જલેબી નો ઓર્ડર હોવાથી દશેરાના આગલા દિવસથી જ વેપારીઓ ફાફડા બનાવવાની કામગીરી શરૂ કરી દે છે
સુરતમાં દશેરાના દિવસે લોકો જે ફાફડા અને જલેબી ખાય છે તે આરોગ્યપ્રદ છે કે નહીં તે જાણવા માટે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ આજે સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. પાલિકાના ફુડ વિભાગના જણાવ્યા પ્રમાણે આ સેમ્પલ લીધા બાદ તેની ચકાસણી લેબમાં મોકલાશે. જો કોઈ વેપારી પાસે લીધેલા સેમ્પલ તપાસમાં નિષ્ફળ જાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ વિભાગે સેમ્પલ લેવાની કામગીરી સાથે સાથે ફરસાણની દુકાનમાં સફાઈ ની કામગીરી નું પણ નિરીક્ષણ કર્યું હતું અને જ્યાં ખામી દેખાય હતી ત્યાં નોટિસ આપવા સાથે અન્ય કામગીરી પણ કરવામા આવી છે.