Surat Corporation : સુરત પાલિકાના કર્મચારીઓ લેટ લતીફ છે અને મોડા આવે છે તેવી વાત ચાલે છે પરંતુ આજે પાલિકાની જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં સભ્ય જ બેઠક પૂરી થયાં બાદ આવ્યા હતા. પક્ષ પલ્ટુ કોર્પોરેટર મીટીંગ પૂરી થયાં બાદ આવ્યા હતા અને હાજરી પુરવા માટે જીદ કરી હતી અને કર્મચારીઓ સાથે માથાકુટ કરી હતી. જોકે, કર્મચારીએ મીટીંગ બાદ હાજરી નહી પુરી શકાય તેવો નિયમ બતાવતા આ કોર્પોરેટર રજાનું કારણ મૂકીને જતા રહ્યા હતા.
સુરત પાલિકામાં આજે જાહેર બાંધકામ સમિતિની બેઠક મળી હતી તેમા વિકાસના અનેક કામો અંગે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. આ વિકાસના કામ માટે પાલિકાની જાહેર બાંધકામ સમિતિના એક સભ્ય ની હાજરી બાબતે વિવાદ ઉભો થયો છે. આપ માંથી ભાજપમાં આવેલા ઘનશ્યામ મકવાણા જાહેર બાંધકામ સમિતિની બેઠક પૂરી થયાં બાદ પાલિકા માં આવ્યા હતા. મકવાણા બેઠક રૂમમાં પહોંચે તે પહેલા તો બેઠક પૂરી થયેલી જાહેર કરીને અધ્યક્ષ અને સભ્યો નિકળી ગયા હતા.
જોકે, ઘનશ્યામ મકવાણાએ મીટીંગમાં તેઓ હાજર છે તેવું દર્શાવવા માટે બાયોમેટ્રીક હાજરી પુરી હતી પરંતુ સ્ટાફે કહ્યું હતું કે આ બાયોમેટ્રીક હાજરી છે અને બેઠક પૂરી થયાં બાદ આ હાજરી પુરી શકાશે નહીં. પરંતુ જીદે ચઢેલા સભ્યએ હાજરી પુરવા માટે સ્ટાફ સાથે રકઝક કરી હતી પરંતુ સ્ટાફે નિયમ સમજાવતા તેઓ ભોંઠા પડી ગયાં હતા અને તેઓએ બેઠકમાં હાજર ન રહેવા માટે રજા મૂકી દીધી હતી. આમ બેઠક બાદ સભ્ય તો આવ્યા પરંતુ તેઓએ રૂબરૂ આવી રજા નું કારણ મુકવ્યું પડ્યું હતું તે પાલિકામા આજે ચર્ચાનો વિષય બન્યો છે.