![]()
– મિલની ચાલી અને ખોડિયારનગરના રહિશોના આરોગ્ય ઉપર ગંભીર અસર
– ગટરના ઢાંકણા પણ ખુલ્લા, અનેક વખત રજૂઆત કરવા છતાં ન.પા. તંત્ર ઘોર નિંદ્રાંમાં
મહુવા : મહુવા શહેરના ખોડિયારનગર અને મિલની ચાલી વિસ્તારમાં વરસાદી તેમજ ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે. આ સમસ્યા કાયમી હોવા છતાં નગરપાલિકા તંત્ર ઘોરનિંદ્રામાં પોઢી રહ્યું હોય તેમ કોઈ નક્કર પગલા ભરવામાં આવી રહ્યા નથી.
મહુવામાં ભારે વરસાદના કારણે છેલ્લા ઘણાં સમયથી મિલની ચાલી અને ખોડિયારનગરમાં રસ્તાઓ તેમજ લોકોના ઘરોમાં વરસાદનું તેમજ ગટરનું પાણી ભરાઈ રહે છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે વરસાદના વિરામ બાદ પણ આ સમસ્યા સર્જાયેલી છે. જેના કારણે વિદ્યાર્થીઓ, સ્થાનિક રહિશોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો હોય, લોકોના આરોગ્ય ઉપર ગંભીર અસર થઈ રહી છે. આ બાબતે મહુવા નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં પેંધી ગયેલા અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. બન્ને વિસ્તારમાં કેટલીક જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા છે. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોણ લેશે ? તેવો આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે.










