મુંબઈ : અમેરિકા દ્વારા એલ્યુમિનિયમ તથા સ્ટીલની આયાત પર એપ્રિલથી ટેરિફ લાગુ કરવાના નિર્ણયને કારણે ભારતમાં સસ્તા સ્ટીલના ડમ્પિંગ થવાની શકયતાને ધ્યાનમાં રાખી વાણિજ્ય મંત્રાલયની શાખા ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસે કેટલાક સ્ટીલ પ્રોડકટસ પર ૧૨ ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા ભલામણ કરી છે.
દેશમાં તાજેતરમાં સ્ટીલની આયાતમાં થયેલા જોરદાર વધારા અને નજીકના ભવિષ્યમાં તેમાં વધુ શકય વધારાને ધ્યાનમાં રાખી આ સૂચન આવી પડયુ છે.
આ ભલામણને પરિણામે સ્થાનિક સ્ટીલ બજારમાં એચઆર પ્લેટ (ફલેટ પ્રોડકટ)ના ભાવમાં ટન દીઠ રૂપિયા ૧૦૦૦થી ૧૨૦૦નો વધારો થઈ રૂપિયા ૫૧૦૦૦થી રૂપિયા ૫૧૫૦૦ બોલાવા લાગ્યા હતા. ટ્રેડરો માલ વેચવા તૈયાર નહીં હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.
સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા અંગેની તપાસ પર અંતિમ નિર્ણય ન આવે ત્યાંસુધી પ્રારંભમાં આ ડયૂટી ૨૦૦ દિવસ સુધી લાગુ કરવાની ભલામણ કરવામાં આવી હોવાનું ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસે તેના ઓર્ડરમાં જણાવ્યું છે.
હાલના સંજોગોમાં આ પગલું ભરવુ આવશ્યક છે અને તેમાં કોઈપણ ઢીલ ઘરઆંગણેના સ્ટીલ ઉદ્યોગને હાનિ પહોંચાડી શકે છે.
ચીન, દક્ષિણ કોરિઆ તથા જાપાન ખાતેથી ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં તાજેતરના દિવસોમાં જોરદાર વધારો થયો છે. ૨૦૧૮માં જ્યારે અમેરિકાએ વેપારમાં સંરક્ષણવાદની નીતિ અપનાવી હતી ત્યારથી ભારતમાં સ્ટીલની આયાતમાં વધારો જોવા મળી રહ્યો છે.
હવે અમેરિકા દ્વારા ફરી સંરક્ષણાત્મક નીતિ અપનાવવામાં આવી રહી છે, ત્યારે ભારતમાં સ્ટીલના ડમ્પિંગમાં વધારો થવાનું જોખમ રહેલું છે તેને ધ્યાનમાં રાખી આ ભલામણ આવી પડી છે. ભલામણ પર વિવિધ હિસ્સેદારો પાસેથી ૩૦ દિવસમાં સૂચનો મંગાવવામાં આવ્યા છે અને ત્યારબાદ અંતિમ ઓર્ડર જારી કરાશે.
દેશના વિવિધ સ્ટીલ ઉત્પાદકોની ફરિયાદને આધારે ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસે તપાસ હાથ ધરી હતી.
સસ્તા સ્ટીલની આયાતને કારણે નુકસાન ભોગવલું પડતું હોવાની દલીલ સાથે દેશના અનેક સ્ટીલ ઉત્પાદકોએ એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.