અમદાવાદ,શુક્રવાર
શહેરમા જમાલપુરમાં રહેતા બિલ્ડરના બાધકામ અંગે આરટીઆઇ કરીને તોડી પાડવાની ધમકી આપીને ભાજપના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખત્રીના પુત્ર જ્વલીત ખત્રી અને અન્ય બોગસ પત્રકારોએ રૂપિયા ૨૩.૫૦ લાખની ખંડણી વસુલ્યા બાદ પણ સતત નાણાંની માંગણી કરી હોવાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોંધવામાં આવી છે.
શહેરના જમાલપુર કાચની મસ્જિદ પાસે આવેલા સીમરન બંગ્લોઝમાં રહેતા મોહમંદબિલાલ શેખે નોધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે બિલ્ડીંગ કન્સ્ટ્ર્ક્શનનો વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૨૦માં તેમણે કાચની મસ્જિદ પાસે એક બિલ્ડીંગનું કામ શરૂ કર્યું હતું. તેમનેે જ્વલીત ખત્રી નામના વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે તે આરટીઆઇ એક્ટીવીસ્ટ છે અને તમે ગેરકાયદે બાંધકામ કરો છો. આ બાંધકામ ન તોડવાના બદલામાં તેણે સાડા ચાર લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ અન્ય સાઇટનું બાંધકામ તોડવાની ધમકી આપીને જ્વલીત ખત્રી બે લાખ રૂપિયા લીધા હતા. આમ, સતત નાણાંની માંગણી કરતો હતો. સાથેસાથે તેના પિતા ભુપેન્દ્ર ખત્રી પૂર્વ ધારાસભ્ય હોવાની સાથે ભાજપમાં કનકેશનની ધમકી આપીને ખંડણી માંગતો હતો. આ ઉપરાંત, જ્વલીત સાથે ભળેલા હારૂન બેલીમ, બિલાલ લુહાર, ઇમરાન શેખ અને ભરત મહેતા નામના બોગસ પત્રકારોએ ગેરકાયદે બાંધકામના સમાચાર વાયરલ કરીને મિલકત તોડાવવાની ધમકી આપીને કુલ ૨૩.૫૦ લાખની ખંડણી પડાવી હતી.
ત્યારબાદ પણ સતત માંગણી ચાલુ રહેતા મોહમંદબિલાલે આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પીઆઇ સી વી ગોહિલે જણાવ્યું કે મુખ્ય આરોપી જ્વલીત ખત્રી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અન્ય ભોગ બનનાર લોકો પણ પોલીસ ફરિયાદ કરે તેવી શક્યતા છે.