નવી દિલ્હી : ભારત પર ૨૭ ટકા વળતી ડયુટી લાદવાના અમેરિકાના નિર્ણય પર, નિકાસકારોનું કહેવું છે કે આનાથી ટૂંકા ગાળામાં માંગને આંચકો લાગશે એટલું જ નહીં, ચીનથી ડમ્પિંગની શક્યતા પણ વધી છે. નિકાસકારોએ જણાવ્યું હતું કે અમેરિકી ખરીદદારોએ અત્યાર સુધી તેમના ઓર્ડરને રોકી રાખ્યા છે. પરંતુ હવે ડયુટી જાહેર કરવામાં આવી છે અને આવી સ્થિતિમાં ભારતીય સપ્લાયર્સ તેમનો સંપર્ક કરશે અને આગળનો માર્ગ તૈયાર કરશે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ ટ્રેડિંગ પાર્ટનર દેશોમાંથી આયાત પર ૧૦-૫૦ ટકા વધારાની ડયુટી લાદવામાં આવી હતી. આ અંગેના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ૧૦ ટકાની મૂળભૂત ફી શનિવારથી લાગુ થશે જ્યારે અન્ય વધારાની દેશ-વિશિષ્ટ ફી ૯ એપ્રિલથી લાગુ થશે.
ચીન પર પહેલાથી જ લાદવામાં આવેલી ૨૦ ટકા ડયૂટી ઉપરાંત ૩૪ ટકાની વળતી ડયૂટી લાદવામાં આવશે. એક નિકાસકારે જણાવ્યું હતું કે, હવે ડમ્પિંગનું જોખમ વધશે કારણ કે યુએસ ચીન પર ૫૦ ટકાથી વધુ ડયુટી લાદશે. આવી સ્થિતિમાં, આપણે આયાત મોરચે સાવચેત રહેવાની જરૃર છે. સરકાર પણ સતર્ક છે.
ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કોન્ફેડરેશને જણાવ્યું હતું કે અત્યારે સૌથી મોટી ચિંતા ટેક્સટાઇલ અને અન્ય ચીજવસ્તુઓની યુએસ માંગમાં ઘટાડો થવાનો ભય અને સ્પષ્ટતાનો અભાવ છે. આવી સ્થિતિમાં, તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે કે ભારત તેના પ્રતિસ્પર્ધીઓમાં પોતાને કેવી રીતે સ્થાન આપે છે.
યુએસ દ્વારા જાહેર કરાયેલ ટેરિફ ભારત માટે વધુ સારી માર્કેટ એક્સેસની દ્રષ્ટિએ એક તક રજૂ કરે છે. ભારતીય નિકાસકારોએ ડયુટી માળખા અંગેની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક બજારોની શોધ કરવી પણ જરૃરી છે. આનાથી તેમને તેમની નિકાસ જાળવી રાખવામાં મદદ મળશે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે ભારતીય નિકાસ પર યુએસ દ્વારા લાદવામાં આવેલી વળતી ડયુટીએ જટિલ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ટેરિફને કારણે પડકારો વધ્યા હોવા છતાં, ભારતની સ્થિતિ તુલનાત્મક રીતે અનુકૂળ છે.