– લગ્નની વિધિ વેળએ પુરપાટ બાઈક ચલાવવા બાબતે ઠપકો આપતાં તકરાર સર્જાઈ હતી
– ગામના જ ત્રણ શખ્સે યુવાન સહિતના પર હુમલો કરી ઈજા પહોંચાડી હતીઃ ઈજાગ્રસ્તને વળતર ચૂકવવા હુકમ
ભાવનગર : મહુવાના નૈપ ગામે લગ્ન પ્રસંગની વિધિ ચાલી રહી હતી. ત્યારે પુરપાટ ઝડપે નીકળેલા સગીરને ઠપકો આપવા બાબતે થયેલી મારામારીના કેસમાં મહુવા કોર્ટે ત્રણ શખ્સને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.
બનાવની વિગત એવી છે કે,મહુવાના નૈપ ગામે રહેતાં શિવાભાઈ સોંડાભાઈ કવાડના ગત તા.૧૧ ફેબૂ્ર.૨૦૨૨ના રોજ લગ્ન હતા. દરમિયાનમાં રાત્રિના સમયે વિધિ શરૂ હતી.ત્યારે એક સગીર બાઈક લઈને પુરપાટ ઝડપે પસાર થતાં તેને ઠપકો આપવા બાબતે બોલાચાલી થઈ હતી. તેની દાઝ રાખી હિંમત રવજીભાઈ મકવાણા, જીવન બાબુભાઈ મકવાણા, સાગર હિંમતભાઈ મકવાણા અને લાલજી જસમતભાઈ મકવાણા (રહે.તમામ નૈપ,તા.મહુવા) એ આવી માથાકૂટ કરી હતી. અને હિંમત, જીવન તથા સાગરે ફરિયાદી તથા સાહેદોને લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કરી હતી, તો ચોથા શખ્સ સહિત ચારેય શખ્સે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે શિવાભાઈ કવાડે મહુવા પોલીસમાં ઉક્ત તમામ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. દરમિયાન આ અંગેનો કેસ મહુવાની એડી. જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોટ સમક્ષ ચાલી જતાં મદદનીશ સરકારી વકીલ પી.બી. બારીઆની દલીલો અને આધાર-પુરાવાને ગ્રાહ્ય રાખી જજ વી.એચ.તેરૈયાએ હિંમત મકવાણા, જીવન મકવાણા અને સાગર મકવાણાને બે વર્ષની સાદી કેદની સજા, ફટકારી હતી. તો, ઈજા પામનારે નવ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા તેમજ એક શખ્સને નિર્દોષ જાહેર કર્યો હતો.
મહુવાના શખ્સને 5 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની કેદ
મહુવાના ભવાનીગર, રેતીના કારખાના પાસે રહેતો પિતા-પુત્ર સાગર રાજેશભાઈ વિસાણી, રાજેશ વિઠ્ઠલભાઈ વિસાણી અને રસિક વિઠ્ઠલભાઈ વિસાણી (રહે, મઢુલીનગર,એકતા સોસા., મહુવા)એ ગત તા.૨૪ જાન્યુ.૨૦૨૦ના રોજ પોતાના ઘરે સુતેલાં સુનિલભાઈ કાનાભાઈ ઢાપાને ઘરની બહાર બોલાવ્યા હતા અને ગાળો આપી સાગર વિસાણીએ સુનિલભાઈને માથાના ભાગે કુહાડીનો ઘા ઝીંકી દઈ ઈજા પહોંચાડયાની મહુવા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી. જે કેસની આજે મહુવાની કોર્ટમાં સુનાવણી થતાં મદદનીશ સરકારી વકીલ પી.બી. બારીઆની દલીલો, આધાર-પુરાવાઓને ધ્યાને લઈ ન્યાયમૂર્તિ વી.એચ.તેરૈયાએ સાગર વિસાણીને કસુરવાન ઠેરવ્યો હતો અને બે વર્ષ સાદી કેદની સજા અને ઈજા પામનાર ફરિયાદીને રૂા.૧૦૦૦ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં અન્ય બે શખ્સને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.