મુંબઈ : સેવા ક્ષેત્ર પૂરી પાડતી કંપનીઓ દ્વારા સેવા પેટેના ચાર્જિસમાં સાડાત્રણ વર્ષનો ધીમો વધારો છતાં, માર્ચમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ સાધારણ મંદ પડી હોવાનું એક સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. મંદ માગને પરિણામે રોજગાર નિર્માણમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલ સેવા ક્ષેત્રનો એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ગત મહિને ઘટી ૫૮.૫૦ રહ્યો હતો જે ફેબુ્રઆરીમાં ૫૯ જોવા મળ્યો હતો. જો કે ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.
ફેબુ્રઆરીની સરખામણીએ માગ મંદ રહી છે આમછતાં ઘરઆંગણે તથા આંતરરાષ્ટ્રીય સ્તરેથી માગનું ચિત્ર મજબૂત જળવાઈ રહ્યું છે. સેવા ક્ષેત્રનો પીએમઆઈ ઊંચો જાળવી રાખવામાં ઘરઆંગણેની માગની મુખ્ય ભૂમિકા રહી છે અને નવા વેપારમાં વૃદ્ધિની માત્રા પણ જોરદાર જોવા મળી છે જો કે ફેબુ્રઆરીની સરખામણીએ વૃદ્ધિ સાધારણ ધીમી રહી છે.
વિદેશમાંથી માગ મંદ રહી છે અને આંતરરાષ્ટ્રીય ઓર્ડરોમાં વૃદ્ધિ પંદર મહિનાની નીચી સપાટીએ રહી છે, જે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા છેડાયેલી ટેરિફ વોરની વૈશ્વિક અર્થતંત્રમાં બદલાવના પ્રારંભિક સંકેત આપે છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
કાચા માલના ફુગાવાનું દબાણ હળવું થયું છે અને કાચા માલની કિંમતોમાં પાંચ મહિનાનો ધીમો વધારો થયો છે. આને પરિણામે તીવ્ર સ્પર્ધા વચ્ચે સેવા પેટેના ચાર્જિસમાં સપ્ટેમ્બર, ૨૦૨૧ બાદસૌથી નબળો વધારો જોવા મળ્યો છે.
સ્પર્ધાને ધ્યાનમાં રાખી આગામી એક વર્ષ માટેનું વેપાર માનસ ઘટી ગયું છે. નવી ભરતીની માત્રા પણ ધીમી પડી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. માર્ચમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધી આઠ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળી હતી જે ફેબુ્રઆરીમાં ૧૪ મહિનાની નીચી સપાટીએ હતી.