સોલાપુર,12 ઓગસ્ટ,2025,મંગળવાર
કોબ્રા સાપનું નામ સાંભળતા જ રુંવાટા ઉભા થઇ જાય છે પરંતુ મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લાના શેતફલ ગામમાં લોકો સાપ પાળે છે, નાના બાળકો રોજ હાથમાં સાપ લઇને રમકડાની જેમ રમતા દેખાય છે. રસ્તા પર આમ તેમ બસ કોબ્રા સાપ જ ફરતા દેખાય છે, સાપ જોવા ન મળતો હોય એવું ભાગ્યે જ કોઇ ઘર જોવા મળે છે.
લોકો સાપ રહી શકે તે માટે ઘરમાં જ દર બનાવે છે એટલું જ નહી ઘરના સ્વજનની જેમ કાળજી રાખે છે. આ ગામના લોકો સાપની પૂજા કરે છે અને સાપના અનેક મંદિર પણ આવેલા છે.દરેક ઘરે સરેરાશ બે થી ત્રણ સાપ પાળવામાં આવે છે નવાઇની વાત તો એ છે કોબ્રા વિશ્વમાં સૌથી ઝેરી સાપ ગણાતા હોવા છતાં આજ સુધી સાપ કરડવાની એક પણ ઘટના બની નથી. ગામ લોકો સાપને દેવતાની જેમ પૂજે છે. નાગદેવતાના એક કરતા વધારે નાના મોટા મંદિરો પણ બનાવ્યા છે.
ગામ લોકોનું માનવું છે કે સાપને અમે પરેશાન કરતા નથી આથી અમને પણ તે કશું નુકસાન કરતા નથી. સાપ અને માણસોનું સહ અસ્તિત્વ ધરાવતું આ અનોખું ગામ જોવા બહારથી પર્યટકો પણ આવે છે. ઉનાળાની ગરમી પછી ચોમાસામાં વરસાદ પડે પછી જમીનના જીવજંતુઓ બહાર નિકળે છે એ સમયે સાપ પણ વધુ સંખ્યામાં જોવા મળે છે. પુનાથી આ ગામ ૨૦૦ કિમી દુર આવેલું છે અને સોલાપુરથી માત્ર ૨૦ કિમી દૂર છે.
પહેલાના જમાનામાં ભારતને સાપો અને મદારીઓનો દેશ ગણવામાં આવતો બદલાયેલા સમયમાં શેતફલ ગામને અવશ્ય સાપનું ગામ કહેવાનું મન થાય છે. સાપ સાથે દોસ્તી માટે જાણીતું બીજુ એક ગામ કપારી ગામ ઉત્તરપ્રદેશના અલ્હાબાદથી ૩૫ કિમી દૂર આવેલું છે. આ ગામના લોકો પણ પેઢીઓથી સાપ ઉછેર કરે છે. સાપનું પાલન પોષણ તેમના જીવનનો એક હિસ્સો બની ગયું છે. ગામ લોકો ઘરેણાની જેમ સાપ વિંટાળીને ફરતા જોવા મળે છે. આ ગામની એક પણ વ્યકિતનું મોત સાપ કરડવાથી થયું નથી. શેતફલની જેમ કપારીગઢ ગામની પણ પ્રવાસીઓ મુલાકાત લે છે.