Mamlatdar Recruitment : સરકાર દ્વારા રાજ્યની વિવિધ કલેક્ટર ઑફિસ સહિતની કચેરીઓમાં 49 જેટલી નવી જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવનાર છે. જેમાં મહેસાણા જિલ્લામાં બે અધિકારી સહિત ઉત્તર ગુજરાતમાં 13 જેટલાં મામલતદાર, નાયબ મામલતદાર, ચીટનીશ, કારકૂન સહિતની સીધી ભરતી કરવામાં આવશે તેમ વર્તુળોમાંથી જાણવા મળ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, સરકારે આ નવી જગ્યાની ભરતી માટે વર્ષ 2025-26ના બજેટમાં રૂ. 2.27 કરોડની જોગવાઈ કરી છે.
મહેસાણા જિલ્લામાં બેચરાજી મામલતદાર કચેરી ખાતે એક મામલતદાર (પ્રોટોકોલ) મામલતદાર તથા વડનગર મામલતદાર કચેરીમાં 01 નાયબ મામલતદાર (પ્રોટોકોલ) મળી તેમજ વડનગર અને બેચરાજી સ્થિત મામલતદાર કચેરીમાં 1-1 કારકૂન (પ્રોટોકોલ) મળી કુલ 04ની સીધી ભરતી કરવામાં આવશે.
તેવી જ રીતે, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતેની જમીન શાખા, અપીલ શાખા, મેજિસ્ટ્રીયલ શાખામાં મળી કુલ 03 નાયબ મામલતદાર તથા ડીસા અને થરાદ પ્રાંંત કચેરીમાં એક-એક નાયબ મામલતદાર તેમજ બનાસકાંઠા કલેક્ટર કચેરીમાં રજિસ્ટ્રી શાખા અને અપીલ શાખામાં એક-એક મળી બે કારકૂનની સીધી ભરતી કરાશે.
ઉપરાંત, બનાસકાંઠા મામલતદાર કચેરી(વહીવટ)માં એક ક્લાર્ક તથા અમીરગઢ મામલતદાર કચેરી (એમ.એ.જી.) ખાતે એક કારકૂન મળી કુલ 02 સહિત જિલ્લામાં કુલ 09 કર્મચારીઓની સીધી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની જાહેરાત પણ કરી દેવામાં આવી હોવાનું અંતરંગ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની જુદીજુદી કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા મહેસુલી તપાસણી કમિશ્નર ઑફિસ ખાતે અલગ અલગ સંવર્ગની નવી જગ્યાઓ ઊભી કરવા માટે નાણાકીય વર્ષ 2025-26માં કુલ રૂ. 2.27 કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી હતી.