– ભાવનગર શહેર બાદ હવે જિલ્લામાં માવઠું
– સિહોર, મહુવા, તળાજા અને ગારિયાધારમાં પવન ફૂંકાયો, ભાવનગરમાં માવઠાંની અસરના પગલે ગરમીમાં ઘટાડો
સિહોર/ભાવનગર : ભાવનગર શહેર બાદ હવે જિલ્લામાં પણ બિનમોસમી વરસાદનું આગમન થયું છે. આજે રાત્રિના સમયે સિહોર તાલુકાના સોનગઢ-જીથરી પટ્ટામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે સિહોર, મહુવા, તળાજા અને ગારિયાધારમાં પવન ફૂંકાયો હતો. જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. ભાવનગરમાં માવઠાંની અસરના પગલે ગરમીમાં ઘટાડો રહ્યો હતો.
સિહોરના સોનગઢ, જીથરી અને આસપાસના ગામમાં આજે શનિવારે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં અચાનક જ વાતાવરણ પલટાયું હતું. વીજળીના ચમકારા અને પવન વચ્ચે કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું હતું. માવઠાંની સાથે કરા પણ વરસ્યા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ સિહોરમાં ઠંડો પવન ફૂંકાયો હતો. જ્યારે ગારિયાધાર, તળાજા, મહુવામાં પણ પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા ઉનાળાની આકરી ગરમીમાં રાહત મળી હતી.
ભાવનગરમાં ગઈકાલે વાજડી સાથે કરા અને કમોસમી વરસાદ વરસી જતાં આજે શનિવારે ગરમીમાં ઘટાડો થયો હતો. શહેરમાં ગરમીનો પારો ૧.૯ ડિગ્રી નીચે સરકીને ૩૭.૧ ડિગ્રીએ સ્થિર થયો હતો. જો કે, માવઠાંની અસર અને વાતાવરણમાં ૪૬ ટકા ભેજનું પ્રમાણ રહેતા શહેરીજનોએ બફારાનો અનુભવ કર્યો હતો. ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા શહેરમાં મહત્તમ તાપમાન સામાન્યથી સરેરાશ એક ડિગ્રી નીચે રહ્યું હતું. તેની વિપરીત લઘુતમ તાપમાન ૧.૧ ડિગ્રી વધીને ૨૪.૩ ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે આજે ભાવનગર જિલ્લામાં હળવી મેઘગર્જના અને ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વચ્ચે વાવાઝોડાની ચેતવણી આપી હતી.