– જાહેરનામા વગર સમારકામ માટે બિલોદરાનો બ્રિજ બંધ કરાતા હોબાળા બાદ
– માટીનું ધોવાણ થતા રસ્તા પરથી પસાર ના થઈ શકાય તેવી સ્થિતિ : પરીક્ષા ટાણે જ ફરી એક વખત વિદ્યાર્થીઓ 38 કિ.મી. ફરીને જવા મજબૂર
નડિયાદ : બિલોદરાથી મહુધા તરફના કેટલાક ગામોના વિદ્યાર્થીઓને નડિયાદ આવવા માટે શેઢી નદીમાં ઉભો કરાયેલો વૈકલ્પિક માર્ગ તૂટી ગયો છે. માર્ગ બનાયાના પાંચમાં દિવસે માટીનું ધોવાણ થતા વિદ્યાર્થીઓ ૩૮ કિલોમીટર ફરીને નડિયાદ જવા ફરી મજબૂર બન્યા છે.નડિયાદ-મોડાસા રોડ પર બિલોદરા ગામના શેઢી નદીના બ્રિજનું હાલ સમારકામ ચાલી રહ્યુ છે. તંત્ર દ્વારા સ્થાનિકો, સરપંચ કે અગ્રણીઓ સાથે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર જાહેરનામુ પ્રસિદ્ધ કરી આ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કર્યો હતો અને બ્રિજનું સમારકામ ચાલુ કર્યુ હતું. દરમિયાન કેટલાક દિવસ તો વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો જોખમી રીતે બ્રિજ પરથી પસાર થયા હતા. આ મામલે હોબાળો અને વિરોધ થયા બાદ અંતે શેઢી નદી પર સિમેન્ટના ભૂંગળા નાખી અને વૈકલ્પિક રસ્તો ઉભો કરવાનો નિર્ણય લેવાયો હતો. તંત્રએ ગ્રામજનોની મદદથી કાચો રસ્તો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઉભો કર્યો હતો. તા. ૯ એપ્રિલે બનાવાયેલો રસ્તો ૧૪ એપ્રિલે તૂટી ગયો છે. સિમેન્ટના ભૂંગળા પરથી માટી ધોવાઈ જતા રસ્તા પરથી પસાર ન થઈ શકાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. જેના લીધે વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે હેરાનગતિ વેઠવાનો વખત આવતા ૩૮ કિલોમીટર ગોળ ફરી નડિયાદ આવવું પડે તેવો ઘાટ સર્જાયો છે.
આ તરફ હાલ બિલોદરા નડિયાદ વચ્ચેના મુખ્ય બ્રિજ પરથી ચાલતા પસાર થઈ શકાય, તે મુજબની કામગીરી થઈ ચુકી છે. ત્યારે હવે આ મામલે તંત્ર દ્વારા ત્વરિત યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગણી ઉઠી છે.