Gun License Scam: ગન લાઈસન્સ કૌભાંડમાં ઝડપાયેલા વિશાલ પંડ્યાએ પાલડી ખાતે બની રહેલી વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ની નવી ઓફિસ માટે ચાર કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું હોવાનું બહાર આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદે વિશાલ પંડયાને અમદાવાદ પૂર્વનો પ્રમુખ પણ બનાવ્યો છે. તે ધમકીભર્યા કોલ કરીને વિદેશીઓને લૂટતાં કોલ સેન્ટર પણ ચલાવે છે. વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના મહામંત્રી અશોક રાવલે સ્વીકાર્યું કે, વિશાલ પંડયાએ 4 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ વીએચપીને એક પણ રૂપિયો મળ્યો નથી. રાવલે સવાલ કર્યો કે, ‘કોઈ પણ વ્યક્તિ દાન આપે તો અમે સ્વીકારીએ છીએ તેમાં ખોટું શું છે?’
વિશાલે અન્ય મિત્રોના ખાતામાંથી બે કરોડ રૂપિયા આપ્યા
વિશાલ પંડ્યાને તેના મિત્રની ભલામણથી થોડા સમય પહેલાં વીએચપીમાં સામેલ કરવામાં આવ્યો હતો પણ તે કોના માધ્યમથી જોડાયો તેની વિગતો આપી ન હતી. વિશ્વ હિન્દુ પરિષદે વિશાલ પંડયા પાસેથી નાણાં મળ્યાનો ઈન્કાર કર્યો છે, પરંતુ વિશાલે પોતાના અન્ય મિત્રોના ખાતામાંથી બે કરોડ રૂપિયા આપી દીધા હોવાનુ જાણવા મળ્યું છે.
ગન લાઈસન્સ કેસમાં મુખ્ય આરોપી વિશાલ પંડયા ઉર્ફે વી.પી બોગસ કોલ સેન્ટરો ચલાવવા માટે કુખ્યાત છે, તેના છેડા અનેક રાજકારણીઓ સાથે જોડાયેલા છે તેથી તેને કંઈ થતું નથી. 11મી ડિસેમ્બર 2024ના રોજ ગાંધીનગર પ્રેક્ષા ભારતીમાં ઉત્તર ગુજરાત પ્રાંતની બેઠકમાં તેને પૂર્વ વિસ્તારનો અધ્યક્ષ બનાવ્યાની જાહેરાત કરાઈ હતી. તે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ભાજપના સંખ્યાબંધ ટોચના નેતાઓ ફોટા શેર કરી ચૂક્યો છે. તેના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ધારાસભ્ય અમિત ઠાકર સાથે બાઇક રેલીમાં હોય એવા ફોટા સોશિયલ મીડિયા પર છે. આ ઉપરાંત કેટલાક કોર્પોરેટર તેમજ નાના-મોટા નેતાઓ સાથે પણ તેના ફોટા છે.