![]()
– જમીન ખરીદીની એન્ટ્રી પાડવા 2014 માં રૂા. 50,000 ની લાંચ માંગી હતી
– 50 હજારનો દંડ પણ કોર્ટે ફટકાર્યો : મદદગારી કરનારા કુંજરાવના આરોપીને 3 વર્ષની કેદ અને 5 હજારનો દંડ
આણંદ : જમીનની ખરીદી પછી એન્ટ્રી પાડવા માટે રૂા. ૫૦,૦૦૦ની લાંચ માગનાર જીતેન્દ્ર કાળુભા વાળાને પાંચ વર્ષની સાદી કેદ અને રૂા. ૫૦,૦૦૦નો દંડ કરવાના હુકમ આણંદની પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ તથા સ્પેશિયલ જજની એસીબી કોર્ટે ચૂકાદો આપ્યો છે. જીતેન્દ્ર કાળુભા વાળા આણંદની ગ્રામ્યુ કોર્ટમાં નાયબ મામલતદાર તરીકે સેવા આપતા હતા.
તેઓ વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં આવેલા પુરોહિત પાર્કની બંગલા નંબર બી-૭માં રહે છે. જીતેન્દ્ર વાળાને મદદગારી કરનાર અશોક રમણલાલ પરમારને પણ ત્રણ વર્ષની કેદ અને રૂા. ૫૦૦૦નો દંડ કર્યો છે. દંડ ન ભરે તો બીજા ત્રણ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કોર્ટે કર્યો છે. બંને જામીન ઉપર મુક્ત આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા ફરમાન કર્યું છે. ફરિયાદીના ખેતરમાં કામ કરતા લાંભવેલ ગામના રહીશે આણંદના બોરિયાવીના વ્યક્તિ પાસેથી તા. ૩૧-૭-૨૦૨૧૩ના રોજ બોરિયાવી ગામની સીમમાં સર્વે નં.ઃ-૭૭૫ વાળી ખેતીલાયક જમીન રજિસ્ટર દસ્તાવેજથી વેચાણ રાખેલી અને તેઓ ભણેલા ન હોવાથી ૭-૧૨ અને નામ ચઢાવવા ફરિયાદીને કહ્યું હતું. નવી ખરીદેલી જમા નામે ચઢાવી આપવાની રજૂઆત બાદ તા. ૧૮-૫-૨૦૧૪ના રોજ લાંભવેલના રહીશને સાથે લઈ ફરિયાદી આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીએ ૧૩૫-ડીની નોટિસમાં સહીઓ કરાવી હતી. એન્ટ્રીની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી ફરિયાદીએ વારંવાર નાયબ મામલતદાર મહેસુલ જીતેન્દ્રસિંહ કાલુભા વાળા (રહે. હર્ષરાજ બંગલો, પુરોહિત પાર્ક, વિદ્યાનગર મૂળ રહે. નિંગાળા, જિ. બોટાદ)ને કહેતા તેઓ બહાના કાઢી ધક્કા ખવડાવતા હતા.
‘આ એન્ટ્રી મેં જ રદ કરી છે, જે હવે પાકી કરાવવી હોય તો વ્યવહાર કરવો પડશે અને જો ના કરવો હોય તો નામંજૂર કરી દઉં છું, પ્રાંતમાંથી વગર પૈસે મંજૂર કરાવી લેજો’ તેમ કહી જીતેન્દ્ર સિંહ કાળુભા વાળાએ રૂા. ૫૦ હજારની લાંચ માંગી હતી. બાદમાં રકઝકના અંતે છેલ્લે ૩૫ હજારમાં સોદો નક્કી થયો હતો.
આ અંગેની જાણકારી એન્ટિ કરપ્શન બ્યુરોના અધિકારીઓને આપવામાં આવતા તેમણે જીતેન્દ્ર કાળુભાને એસીબીના છટકામાં નાયબ મામલતદાર જીતેન્દ્રસિંહ વાળા અને મદદગારી કરનારા અશોકભાઈ રમણભાઈ પરમાર (રહે. કુંજરાવ અને મૂળ રહે. બાકરોલ મોટું ફળિયું તા. જિ. આણંદ) ૨૧-૬-૨૦૧૪ના રોજ પકડાઈ ગયા હતા. આ અંગેનું ચાર્જશીટ તા. ૧૦-૧૧-૨૦૧૭ના રોજ રજૂ કર્યું હતું.
આ કેસ ચાલી જતા આણંદના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તથા સ્પેશિયલ જજ સંજયકુમાર ઠક્કરે બંને આરોપીને લાંચના કેસમાં કસૂરવાર ઠેરવ્યા છે.










