– રોકડ,બાઈક, કાર, દાગીના સહિત રૂા.૯.૫૪ લાખનો મુદ્દામાલ રિકવર
– એ-ડિવીઝન, જોરાવરનગર અને પાટડી પોલીસ મથકના ચાર ચોરીના ભેદ ઉકેલાયા
– ત્રણેય શખ્સો વિરૂધ્ધ અમદાવાદ, વડોદરા, નડિયાદ, આણંદના પોલીસ મથકમાં ૨૭ ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા (સ્ટેપ લાઇન)
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં ઘરફોડ અને વાહનચોરી કરતી ગેંગના ત્રણ શખ્સને એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે રોકડ,બાઈક, કાર, દાગીના સહિત રૂા.૯.૫૪ લાખનો મુદ્દામાલ રિકવર કરી એ-ડિવીઝન, જોરાવરનગર અને પાટડી પોલીસ મથકના ચાર ચોરીના ભેદ ઉકેલ્યો છે.
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તાર તેમજ જિલ્લામાં ઘરફોડ ચોરીના તેમજ વાહનચોરીના બનાવો વધી રહ્યાં છે. ચોરીના બનાવમાં તસ્કર ટોળકી સક્રિય થઈ હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમીના પોલીસે માયાસીંગ ક્રિપાલસીંગ જુનીસરદાર (રહે.વડનગર), અજયસીંગ ઉર્ફે ઈલાસીંગ પંચમસીંગ ખીચ્ચી (શીખ) (રહે.ખંભાત)ને મેકસન સર્કલ પાસે નર્મદા કેનાલ પર વોચ ગોઠવી ઝડપી પાડયા હતા.
પોલીસે બંને શખ્સની પુછપરછ કરતા જોરાવરનગર વિસ્તારમાંથી બે ઘરફોડ ચોરી અને એક બાઈક ચોરી તેમજ પાટડીમાંથી એક ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી અને ચોરીના આ ગુનાઓમાં અન્ય એક શખ્સ જીતસીંગ મનીંદરસીંગ સીકલીગર (શીખ) (રહે.સાવલી)ની સંડોવણી હોવાનું સામે આવી હતી. તસ્કરોએ ચોરીનો મુદ્દામાલ મેકશન સર્કલ પાસે આવેલ બાવળોની ઝાડીમાં સંતાડયો હોવાનું જણાવતા પોલીસે કુલ રૂા.૯,૫૪,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ અમદાવાદના ઈસનપુર, ગુજરાત યુનિવર્સીટી, વેજલપુર, નારાયણપુરા, ચાંદખેડા, અમરાઈવાડી, ઓઢવ, વડોદરાના ડેસર, સાવલી, સીટી, જે.પી.રોડ, ગોરવા, વાડી, ફતેગંજ, અકોટા, બાપોદ, મકરપુરા, ગોધરા પોલીસ સ્ટેશન, નડીયાદ ટાઉન, ખંભાત સીટી, મહેમદાબાદ, આણંદ ટાઉન, પાટડી સહિતના પોલીસ મથકોમાં અંદાજે ૨૭થી વધુ ઘરફોડ અને વાહનચોરીના ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
રિકવર કરવામાં આવેલો મુદ્દામાલ
એલસીબી પોલીસે તસ્કર ટોળકીના ત્રણ શખ્સો પાસેથી રોકડ રૂા.૭૮,૫૦૦, કાર કિંમત રૂા.૭ લાખ, સોનાની ડાયમંડવાળી બુટ્ટી કિંમત રૂા.૨૭,૮૮૦, ચાંદીની લક્કી, ચેઈન, વીટી કિંમત રૂા.૭,૨૨૦, બે બાઈક કિંમત રૂા.૧.૪૦ લાખ અને મોબાઈલ સહિત કુલ રૂા.૯,૫૪,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.