જામનગર જિલ્લામાં ડૂબી જવાના બે બનાવમાં 3ના મોત જામનગરમાં 8 વર્ષીય નેપાળી બાળક ઘરેથી ગુમ થયા બાદ રણમલ તળાવમાંથી મળ્યો મૃતદેહ: ન્હાવા જતા ડૂબ્યો હોવાનું ખુલ્યું
જામનગર, : જોડિયા તાલુકાના જીરાગઢ ગામ નજીક આજી નદી કાંઠે કેટલાક માલધારીઓ પોતાના માલઢોર ચરાવવા ગયા હતા. ત્યારે ચાર લોકો અકસ્માતે નદીના પાણીયા ડૂબ્યા હતા. જેમાં બેનો બચાવ થયો છે. જ્યારે બે વ્યક્તિ ડૂબી જતાં ગઇકાલે એક મૃતદેહને બહાર કાઢ્યો છે. જ્યારે બીજા મૃતદેહ આજે સવારે શોધખોળ દરમિયાન મળી આવ્યો હતો. જ્યારે જામનગરમાં નહેરના કાંઠા વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારનો આઠ વર્ષનો બાળક પોતાના ઘરેથી એકાએક લાપતા બન્યો હતો. અને પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન ગત રાત્રિનાં એકાદ વાગ્યે બાળકનો મૃતદેહ રણમલ તળાવમાંથી મળી આવ્યો છે. બાળક ન્હાવા માટે પડતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું.
જોડિયા તાલુકાના જીરાગઢ ગામના પિયુષ દિનેશભાઈ લામકા (ઉ.વ. 11), પોપટ સોડાભાઇ પડસરિયા (ઉ.વ. 30), ધનાભાઈ રાજાભાઈ બાંભવા (ઉ.વ. 20) રવિ ચનાભાઈ બાંભવા (ઉ.વ. 14) વગેરે આજી નદીના કાંઠે માલ ઢોર ચરાવવા માટે ગયા હતા. ત્યારબાદ તેઓ નદીના પાણીમાં ન્હાવા પડયા હતાં. જ્યાં કોઇ કારણોસર નદીના પાણીમાં ડૂબ્યા હતાં. જેની ખબર પડતાં જ ગામ લોકો અને કાલાવડ ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચ્યો હતો. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં પિયુષ અને પોપટનો બચાવ થયો છે જ્યારે રવિ અને ધનાભાઈ પાણીમાં ડૂબીને લાપતા થતાં શોધખોળ ચલાવાઇ હતી. આ બનાવ બાદ જોડિયાના પીએસઆઈ કે.ડી. જાડેજા અને તેઓની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જેઓની હાજરીમાં રવિ બાંભવાનો મૃતદેહ ગઇકાલે મળી આવ્યો હતો. જેને જોડિયાની સરકારી હોસ્પિટલમાં લઇ જઇ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ.ં જ્યારે બીજા યુવાન ધનાભાઇ કે જેની મોડી રાત્રી સુધી શોધખોળ ચલાવાઇ હતી પરંતુ તેનો પત્તો સાંપડયો ન હતો. દરમિયાન આજે સવારે ફરીથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. અને અગિયારેક વાગ્યાના અરસામાં તેનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવને લઇને જીરાગઢ ગામમાં અને ખાસ કરીને માલધારી પરિવારમાં ભારે કરૂણતા છવાઇ છે જામનગરમાં નહેરના કાંઠા વિસ્તારમાં એમ્પાયર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેતા હેમલભાઇ શિવાભાઇ નેપાળીનો ૮ વર્ષનો પુત્ર કમલ ગત સાંજે પોતાના ઘરેથી એકાએક લાપતા બની ગયો હતો. પરિવારજનો તેને શોધી રહ્યા હતા અને સિટી એ ડીવીઝન પોલીસ મથકમાં પણ જાણ કરી હતી.