મોરબી જિલ્લામાં 8 પરવાનેદાર શખ્સોની ધરપકડ : એજન્ટ મારફત હથિયારની ઓલ ઇન્ડિયા પરમીટ મેળવ્યાનું ખુલ્યું : 9 પિસ્ટલ-રિવોલ્વર અને 251 કાર્ટીસ સહિત રૂ. 8.74 લાખનો મુદ્દામાલ કબજે લઇને તપાસનો ધમધમાટ
મોરબી, : મણીપુર અને નાગાલેંડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ આઠ ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરી મોરબી એસઓજી ટીમે નવ હથિયાર અને ૨૫૧ કાર્ટીઝ સહીત 9 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લામાં ગેરકાયદે હથિયારો મોટાભાગે બહારના રાજ્યમાંથી આવતા હોય જે રેકેટ ચાલતું હોવાથી રેકેટનો પર્દાફાશ કરવા એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મોરબી જિલ્લા અને આજુબાજુના જિલ્લામાં ગુનાઓ દાખલ થયેલ હોય તેવા ઈસમોને હથિયાર લાયસન્સ મળવાની સંભાવના ઓછી હોવાથી હથિયાર માટેનું લાયસન્સ મળ્યું ના હોય અથવા મળી શકે તેમ ના હોવાથી અન્ય રાજ્યમાંથી ખાસ મણીપુર અને નાગાલેંડ જેવા રાજ્યમાં એજન્ટો થકી ઓલ ઇન્ડિયા પરમીટ મેળવ્યાની હકીકત આધારે શંકાસ્પદ જણાઈ આવતા આઠ ઈસમોએ મણીપુર અને નાગાલેંડ રાજ્યમાંથી હથિયાર અંગેના પરવાના મેળવ્યા હોવાનું ખુલ્યું હતું.
એસઓજી ટીમે આરોપી રોહિત નાનજી ફાગલીયા, ઈસ્માઈ સાજન કુંભાર, મુકેશ ભાનુ ડાંગર, મહેશ પરબત મિયાત્રા, પ્રકાશ ચુનીલાલ ઉનાલીયા, પ્રવીણસિંહ ચતુભા ઝાલા, માવજીભાઈ ખેંગારભાઈ બોરીચા, શિરાજ ઉર્ફે દુખી અમીરઅલી પોપટિયા એમ આઠ ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.એસઓજી ટીમે રિવોલ્વર અને પિસ્તોલ સહીત કુલ 09 હથિયાર કીમત રૂ 8,74,760 અને 251 કાર્ટીસ કીમત રૂ 57,792 નો મુદામાલ કબજે લીધો છે.