તાલાલા પોલીસ ફરી વખત ઊંઘતી ઝડપાઇ : ગીર મેંગો વેલી ફાર્મના સંચાલક સહિત 10 શખ્સોને રોકડ, બાઇક, મોબાઇલ ફોન સહિત રૂ. 2.73 લાખના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા
તાલાલા ગીર, : તાલાલા તાલુકાનાં સુરવા ગીર ગામની સીમમાં આવેલ ગીર મેંગો વેલી ફાર્મમાં જુગારનો અખાડો ચાલી રહ્યો હોવાની બાતમી ગીર સોમનાથ જિલ્લા એલ.સી.બી બ્રાંચને મળતા ફરી વખત સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી જુગારધામ ઉપર ત્રાટકી ફાર્મમાં જુગાર રમતા ફાર્મ હાઉસ સંચાલક સહિત 10 પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.
પોલીસે રેઈડ દરમ્યાન જુગાર રમતા અલ્તાફ ઈબ્રાહીમ કેસરિયા (ઉ.વ. 41), રહેમાન મોહમ્મદખાન (ઉ.વ. 47), ફિરોજ સિદીક પઠાણ (ઉ.વ. 46),ઈકબાલ સિદ્દીક પટેલ (ઉ.વ. 38),મહેબુબ કરીમશા શાહમદાર (ઉ.વ. 48), સરફરાજ યુસુફ પટેલ (ઉ.વ. 48), સાજીદ નુર સુમરા (ઉ.વ. 39), વસીમ હુસેન જમાદાર (ઉ.વ. 38), મુનાફ હુસેન સોરઠીયા (ઉ.વ. 40) (રે.બધા વેરાવળ), ફાર્મ હાઉસ સંચાલક અજીત નજરમામદ દરજાદા (ઉ.વ. 41 રે.સુરવા) ને ઝડપી જુગારધામના સ્થળ ઉપરથી રોકડ રકમ રૂ. 43,500 ,મોટરસાયકલ-4 કિ.રૂ. 180000, મોબાઈલ- 10 કિ.રૂ. 50,000 મળી કુલ રૂ. 2,73,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ.આકાશસિંહ સિંધવ,એ.એસ.આઈ.નરેન્દ્રભાઈ કછોટે તમામ જુગારીયાઓને તાલાલા પોલીસ સ્ટેશને લાવી જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.
થોડા દિવસો પહેલા તાલાલા તાલુકાના સાંગોદ્રા ગીર ગામની સીમમાં ચાલતી હાઈ પ્રોફાઈલ જુગારધામ માંથી એલ.સી.બી.બ્રાંચે દરોડો પાડયા બાદ ફરી સુરવા ગીર ગામે ચાલતા જુગારધામ એલ.સી.બી.ટીમે સપાટો બોલાવતા ફાર્મ હાઉસ,રીસોર્ટમાં ગેરકાયદેસર ગોરખધંધા ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે તાલાલા પંથકના વિવિધ ગામોમાં અગણિત ફાર્મ હાઉસો,રિસોર્ટ,હોટલો આવેલ છે જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા એલ.સી.બી.બ્રાંચ તથા સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડી જુગારીયા તથા સટ્ટો રમાડતા બુકીઓને ઝડપી લેતા સ્થાનિક પોલીસ નિષ્ક્રિય થઈ ગઈ છે કે કેમ..??તેવી અવનવી લોકચર્ચાઓ છડેચોક થઈ રહી છે.