મુંબઈ : સતત બે મહિના સુધી ઘટાડા બાદ, સક્રિય ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડોએ ગયા મહિને હાથમાં વધુ રોકડ જાળવી રાખવાનો વ્યૂહ અપનાવ્યો હતો. ભારતીય બજારમાં હાલમાં જોવા મળી રહેલી વોલેટિલિટીને પરિણામે ફન્ડ હાઉસો સતત સાવચેતી ધરાવી રહ્યાના આના પરથી સંકેત મળે છે.
પ્રાપ્ત આંકડા પ્રમાણે સક્રિય ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસનું કેશ હોલ્ડિંગ્સ ગયા મહિને વધી રૂપિયા ૧.૫૮ લાખ કરોડ રહ્યું હતું જે જૂનમાં રૂપિયા ૧.૫૫ લાખ કરોડ જોવા મળ્યુ હતું.
અનિશ્ચિત સ્થિતિને પહોંચી વળવા ફન્ડ મેનેજરો કેશ જાળવી રાખવાનું મુનાસિબ માનતા હોય છે. હાથમાં કેશના ઊંચા પ્રમાણ માટે હાલના ઊેચા વેલ્યુએશનોને પણ કારણભૂત માનવામાં આવી રહ્યા છે.
કંપનીઓની આવકની સ્થિતિ અને એકંદર કામગીરી ફન્ડ ફાળવણીના નિર્ણયને પ્રભાવિત કરે છે. જૂનમાં કેશ હોલ્ડિંગ ઘટી રૂપિયા ૧.૫૫ લાખ કરોડ રહ્યું હતું જે મેમાં રૂપિયા ૧.૬૫ લાખ કરોડ અને એપ્રિલમાં રૂપિયા ૧.૭૩ લાખ કરોડ જોવા મળ્યું હતું.
અમેરિકા દ્વારા ટેરિફ વોરને પગલે જુલાઈમાં ભારતીય ઈક્વિટીસમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી.
ફન્ડોની ઈક્વિટી સ્કીમમાં રોકાણકારોના જંગી ઈન્ફલોસને કારણે પણ કેશ ઓન હેન્ડ વધુ જોવા મળી રહી છે. જુલાઈમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસમાં રોકાણ ૮૧ ટકા વધીને રૂ.૪૨,૭૦૨ કરોડ નોંધાયું છે.