– હડદડ ગામે જલધારા મિનરલ વોટર નામના કારખાનામાં વીજ ચોરી પકડાઈ હતી
– નોટિસ આપવા છતાં 7.32 લાખનો દંડ ન ભરતા ભાવનગર જીયુવીએનએલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો
બોટાદ : બોટાદ તાલુકાના હડદડ ગામે પાણીના પાઉચના કારખાનામાંથી ઝડપાયેલી પાવર ચોરીના ગુનામાં ત્રણ શખ્સને ત્રણ વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના હડદડ ગામે જલધારા મિનરલ વોટર નામના કારખાનામાં ગત તા.૭ સ્પેટમ્બર, ૨૦૧૮ના રોજ પીજીવીસીએલની ટીમે વીજ ચેકીંગ માટે દરોડો પાડી તપાસ કરતા મીટર બોડી તોડી નાંખી ફરીવાર બહાર ચીકણા પદાર્થ ચોંડાટી તેમજ એમ સીલ મારી, મીટરના સિટી વાયરીંગ કાપીને ડાયરેક્ટ પાવર ચોરી કરવામાં આવતી હોવાનું માલૂમ થયું હતું. જેથી વીજ ટીમે મીટર-વાયર કબજે લઈ લેબ ચકાસણી કર્યા બાદ બોટાદ પીજીવીસીએલએ જલધારા મિનરલ વોટર્સને રૂા.૭,૩૨,૮૨૬.૯૦ની પાવર ચોરી અંગેની માંગણાની નોટિસ ફટકારી હતી. તેમજ છતાં દંડની રકમ ભરપાઈ ન કરતા કારખાનાના ભાગીદારો ઠાકરશી ભુરાભાઈ જમોડ, ગીરધર ભોથાભાઈ જમોડ, બુધા માનસંગભાઈ જમોડ અને જયેશ રણછોડભાઈ રાંછડિયા નામના શખ્સો સામે ભાવનગર જીયુવીએનએલ પોલીસ મથકમાં ઈલેક્ટ્રીસિટી એક્ટની કલમ ૧૩૫ મુજબ ફરિયાદ દાખલ કરાઈ હતી. જે કેસ બોટાદના એડી.ડિસ્ટ્રી જજ જે.કે. પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાની દલીલો, ૧૫ દસ્તાવેજી પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ જયેશકુમાર કે. પ્રજાપતિએ ત્રણેય શખ્સને કસુરવાન ઠેરવી ત્રણ વર્ષની સાદી કેદની સજા, ૨૧ લાખનો દંડ ફટકાર્યો હતો.