વડોદરા,બાથરૃમમાં સ્નાન કરતી પરિણીતાનો વીડિયો ઉતારનાર આરોપી સામે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પાંચ સંતાનોની માતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૪ થી તારીખે હું મારા સાસુ સાથે ઘરે હતી. બપોરે સવા એક વાગ્યે હું સ્નાન કરવા માટે બાથરૃમમાં ગઇ હતી. તે દરમિયાન બાથરૃમમાં મારી નજર મોબાઇલ ફોન પર પડી હતી.કોઇ વ્યક્તિએ બાથરૃમની જાળીમાંથી તેના મોબાઇલ ફોનમાં મારો વીડિયો ઉતાર્યો હોવાનું જણાઇ આવતા મેં બૂમ પાડીને મારા સાસુને જાણ કરી હતી. મારા સાસુએ બહાર જઇને તપાસ કરતા કોઇ દેખાયું નહતું. અમારા ઘરની બહાર સીસીટીવી કેમેરા ફિટ કર્યા હોઇ તે ચેક કરતા જાણવા મળ્યું હતું કે, મૌલાના હારૃન હાફિઝઅલી પઠાણ (રહે. વુડાના મકાનમાં, કલ્યાણ નગર) અમારા ઘરના પાછળના ભાગેથી નાસતો દેખાયો હતો.રાતે નવ વાગ્યે ઇરફાન હજરત અને તારીકખાન પઠાણ મારા ઘરે હારૃનને લઇને અમારી માફી માંગવા માટે આવ્યા હતા. સયાજીગંજ પોલીસે આરોપીની ધરપકડ કરી મોબાઇલ કબજે લઇ એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું છે કે, આરોપી મદ્રેસામાં ભણાવતો હોઇ તેને લોકો મૌલાના તરીકે બોલાવે છે.