વડોદરા, તા.6 વડોદરામાં ગરમીનો પારો ફરી ઊંચો ચડયો છે. આજે ગરમી ૪૨ ડિગ્રી નજીક પહોંચી ગઇ હતી. તીવ્ર ગરમીના કારણે બપોરના સમયે રાજમાર્ગો સૂમસામ ભાસી રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં માર્ચ માસમાં ગરમીના બે રાઉન્ડ આવ્યા હતાં અને ત્યારબાદ ગરમીનું પ્રમાણ સામાન્ય રહ્યું હતું પરંતુ છેલ્લા ત્રણ દિવસથી લોકો આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આજે સૂરજ દેવતાના પ્રકોપના કારણે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા હતાં.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વડોદરામાં આજે મહત્તમ તાપમાન ૦.૬ ડિગ્રી વધીને ૪૧.૮ ડિગ્રી તેમજ ન્યૂનત્તમ તાપમાન ૧.૪ ડિગ્રી વધીને ૨૪.૮ ડિગ્રી નોંધાયું હતું. પશ્ચિમ દિશાના ૭ કિ.મી. ગતિના ગરમ પવનોએ વધારે ગરમીનો અહેસાસ લોકોને થયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે આવતીકાલે પણ તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ તેમજ પરમ દિવસે ૪૩ ડિગ્રી જેટલું તાપમાન રહેશે. બે દિવસ તીવ્ર ગરમી રહ્યા બાદ તાપમાનમાં ઘટાડો થશે.