– રામનવમી પર્વ ભક્તિભાવથી ઉજવાયો
– ઠાકોરજીને કિરીટ મુગટ ધારણ કરાવી ધનુષ્ય-બાણ અર્પણ કરાયા : મહાભોગ પણ ધરાવાયો
ડાકોર : ડાકોર મંદિરમાં રામજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. બપોરે ૧૨ વાગ્યે શાલિગ્રામની મૂર્તિને કેસર- પંચામૃત સ્નાન, પંચાજીરીનો પ્રસાદ ધરાવાયો હતો. રણછોડરાયજીને કિરીટ મુગટ ધારણ કરાવી ધનુષ્ય-બાણ અર્પણ કરાયા હતા.
ડાકોર મંદિરના સેવક આગેવાનના જણાવ્યા પ્રમાણે ડાકોર મંદિરમાં નરસિંહ, વામાન, કૃષ્ણ અવતારો બાદ આજે રામ અવતારનો ઉત્સવ આજે ડાકોર રણછોડરાય મંદિરમાં ઉજવાયો હતો. મંદિરમાં બપોરે ૧૨ કલાકે રામ ભગવાનનો જન્મ કરાવી શાલિગ્રામની મૂર્તિને કેસર- પંચામૃત સ્નાન કરાવી અને પંચાજીરીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. ડાકોરના ઠાકોરજીને કિરીટ મુગટનો શણગાર કરાવી ધનુષ્ય-બાણ ધારણ કરવવામાં આવ્યા હતા. ડાકોરના ઠાકોરજીના રામાવતારના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટયા હતા. સવારે મંગળા આરતીથી અવિરત પણે ભક્તોનો ધસારો રહ્યો હતો. બપોરે મહાભોગની આરતી બાદ ઠાકોરજીને મહાભોગ પણ ધરાવવામાં આવ્યો હતો.