X Sues Indian Govt : ઈલોન મસ્કની અમેરિકન સોશિયલ મીડિયા કંપની ‘X’એ ભારત સરકાર વિરુદ્ધ સેન્સરશીપ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે કંપની દ્વારા કર્ણાટક હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે હવે સરકારનો જવાબ આવ્યો છે.
શું છે સરકારનું વલણ?
એક્સ દ્વારા કરવામાં આવેલા કેસ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સરકાર પણ કાયદાકીય પ્રક્રિયા અનુસાર કંપનીને જવાબ આપશે તથા સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કાયદાનું પાલન કરવું જોઈએ.
કેન્દ્ર સરકાર પર મનફાવે તેમ કન્ટેન્ટ બ્લોક કરાવવાનો આરોપ
ઈલોન મસ્કની કંપની X કોર્પે કર્ણાટક હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર સામે જ કેસ કર્યો છે. કંપનીએ ભારત સરકાર દ્વારા આઇટી અધિનિયમની ધારા 79(3) (બી)ના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. કંપનીનો આરોપ છે કે સરકાર ગેરકાયદે તથા અનિયમિત સેન્સરશીપ સિસ્ટમ બનાવી રહી છે. તથા X પર કોન્ટેન્ટ બ્લોક કરીને પ્લેટફોર્મનું સંચાલન પ્રભાવિત કરાઈ રહ્યું છે. નોંધનીય છે કે આ અરજીમાં 2015ના શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું વર્ણન કરાયું છે. X કોર્પ કંપનીનું કહેવું છે કે સરકાર ધારા 79(3)(બી)ની ખોટી વ્યાખ્યા કરી રહી છે અને મનફાવે તેમ આદેશો આપી રહી છે, જે ધારા 69એના નિયમોનું ઉલ્લંઘન છે. કોન્ટેન્ટ હટાવવા માટે લેખિતમાં કારણ બતાવવું આવશ્યક છે અને આદેશ આપતાં પહેલા સુનાવણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. આટલું જ નહીં સરકારના આદેશને કાયદાકીય રીતે પડકાર પણ આપવાનો હક હોવો જોઈએ. જોકે સરકાર આ પ્રક્રિયાને નજર અંદાજ કરી રહી છે. આ મામલે આગામી સુનાવણી 27મી માર્ચે થશે.