– ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રામનવમી પર્વ સંપન્ન
– નડિયાદ શહેરમાં સાઈબાબા, સંતરામ મંદિર સહિત 3 સ્થળોએ શોભાયાત્રા નીકળી : સુંદરકાંડ, મારૂતિયજ્ઞા સહિતના ધાર્મિક આયોજન
નડિયાદ : ખેડા જિલ્લામાં ૨૫૦૦થી વધુ રામજી મંદિરોમાં રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નડિયાદ શહેરમાં સાઈ અને સંતરામ મંદિર સહિત ત્રણ શોભાયાત્રાઓ નીકળી હતી. શોભાયાત્રામાં વિવિધ વેશભૂષામાં લોકો જોવા મળ્યા હતા.
ખેડા જિલ્લામાં નડિયાદ શહેરમાં ડાકોર રોડ પર આવેલા સાઈ મંદિરથી સાંઈ ભક્ત મંડળ દ્વારા આજે સવારે વાજતે ગાજતે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રામાં વિવિધ વેશભૂષામાં ભક્તજનો જોવા મળ્યા હતા. પાલખી યાત્રા ચકલાસી ભાગોળ, દેસાઈ વગો, ડુમરાલ બજાર, સંતરામ રોડ પરથી નીકળી બપોરે સાઈ મંદિરે પરત ફરી હતી. નડિયાદ ટાઉન પોલીસ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. મંદિરમાં મહા આરતી બાદ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. સંતરામ મંદિરથી નીકળેલી રામનવમીની શોભા યાત્રા પારસ સર્કલ, વાણીયાવડ, કિડની હોસ્પિટલ થઈ પરત મંદિર આવી હતી. ઉપરાંત નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં પણ રામનવમીની ઉજવણી કરાઈ હતી.
નડિયાદ શહેર ઉપરાંત અંદાજે ૨૫૦૦થી વધુ રામજી મંદિરોમાં રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. નડિયાદ શહેરમાં રામનવમીની ઉજવણી નિમિત્તે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.