– આજે કચ્છમાં રેડ એલર્ટ તો રાજકોટ, પોરબંદર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ
રાજકોટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત માર્ચ મહિનાનાં આરંભ સાથે કાળઝાળ ગરમી પડી રહી છે, જે હવે ચૈત્ર મહિનો ચાલુ થતાં વધુ ને વધુ રોદ્ર સ્વરૂપ ધારણ કરવા લાગી છે. આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છ રીતસર અગનભઠ્ઠી બન્યું હતું. રાજકોટ સહિત આઠ શહેરોમાં તાપમાનનો પારો ૪૦ થી ૪૫ ડિગ્રી વચ્ચે રહ્યો હતો. આ સાથે હવામાન વિભાગે ૧૦ એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરી છે. જેમાં આવતીકાલે સોમવારે કચ્છમાં રેડ એલર્ટ તો રાજકોટ, પોરબંદર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હજુ ૧૦મી એપ્રિલ સુધી હીટવેવની આગાહી, પણ આવતીકાલથી ગરમીમાં બે-ત્રણ ડિગ્રીનાં ઘટાડા સાથે રાહત મળવાની સંભાવના
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે રવિવારે અલગ-અલગ શહેરોનું મહત્તમ તાપમાન જોઈએ તો, સૌથી વધુ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટમાં ૪૫.૬ ડિગ્રી નોંધાયું છે. જ્યારે બીજા નંબરે સુરેન્દ્રનગરમાં ૪૪. ડિગ્રી અને ત્રીજા નંબરે રાજકોટમાં ૪૩.૯ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. જ્યારે ભૂજમાં ૪૩.૦ ડિગ્રી, અમરેલીમાં ૪૨.૯ ડિગ્રી, જૂનાગઢમાં ૪૨ ડિગ્રી, જામનગરમાં ૪૦ ડિગ્રી અને ભાવનગરમાં ૪૦.૪ ડિગ્રી સાથે કાળઝાળ ગરમીથી લોકો આકૂળવ્યાકૂળ બની ગયા હતા.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે તા.૭મીએ સોમવારે કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજકોટ, પોરબંદર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ તેમજ સુરેન્દ્રનગર, દીવ અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
એ જ રીતે તા.૮-૯ એપ્રિલના રોજ થોડી રાહત સાથે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બંને દિવસે કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે તા.૧૦ એપ્રિલે આકરી ગરમીમાંથી વધુ રાહત મળશે અને માત્ર કચ્છ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ચાર દિવસ ગરમ અને ભેજવાળુ હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.