Vadodara Crime : વડોદરા કારેલીબાગ વિસ્તારમાં રહેતા બે મિત્રો કાસમઆલા કબ્રસ્તાન પાસે હોટલ પર ગયા હતા. ત્યાં ઉભેલા એક શખ્સે ચા મંગાવવા બાબતે બે મિત્રો પૈકી એક યુવક સાથે ઝઘડો કરી માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ તેણે તેના ભાઈને બોલાવતા તેણે પણ યુવકને માર્યો હતો. દરમિયાન યુવકનો ભાઈ છોડાવવા વચ્ચે પડતા તેના પર પણ બંને શખ્સોએ ચાકુથી હુમલો કર્યો હતો. જોકે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. કારેલીબાગ પોલીસે હુમલાખોર બંને ભાઈને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
કારેલીબાગ વિસ્તારમાં કાસમઆલા પેટ્રોલ પંપ પાસે રહેતા આસીફ સોકતખાન પઠાણએ ફરીયાદ નોંધાવી છે કે હું ટેમ્પો ડ્રાઇવિંગ કરીને પરિવારનો ચલાવું છું. 6 એપ્રિલના રોજબપોરના બે વાગ્યાના અરસામા હું કાસમઆલા કબ્રસ્તાનની સામે કબીર હોટલ ઉપર મારા મિત્ર આલમ પઠાણ (રહે,ચીસ્તીયાનગર નવાયાર્ડ છાણી વડોદરા) સાથે ચા મંગાવવા બાબતે વાતચીત ચાલુ હતી તે વખતે સાદાબ નામનો શખ્સ ત્યાં ઉભો હતો. જે અમારા જોડે આવીને ચા મંગાવવા બાબતે અમારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો અને મને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો તેમજ મારી સાથે હાથ ચાલાકી પણ કરતો હતો. જેથી ત્યાં હાજર માણસોએ અમને છુટા પાડ્યા હતા. દરમિયાન આ સાદાબે તેના ભાઈ સમીરને ફોન કરી જણાવેલ કે કાસમઆલા ઝઘડો થયેલ છે જેથી તું અહિંયા આવ જેથી સાદાબનો ભાઇ સમીર પણ અમારી પાસે આવેલ અને અમારી સાથે બોલાચાલી કરતો હતો. ત્યારે મારો ભાઇ સોહેબ મંગળબજાર ખાતે ગયેલ હોય અને ઘરે આવતો હતો ત્યારે અમારો ઝધડો જોઈ જતાં અમોને છોડાવવા વચ્ચે પડયો હતો. સાદાબ તથા સમીરે મારાભાઇ સોહેબને પણ ગમે તેમ ગાળો બોલી બોલાચાલી કરવા લાગ્યા હતા અને સાદાબે તેના હાથમાં રહેલ છરી મારા ભાઈ સોહેબને છાતીના ભાગે મારી દીધી હતી. સમીરે પણ તેના હાથમાં રહેલ છરી મારા ભાઈ સોહેબને પેટના ભાગે મારી દઈ ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ અને બન્ને ત્યાંથી નિકાળી ગયેલ હતા અને મારા ભાઇ સોહેબને પેટના ભાગે લોહી નિકળનું હોય જેથી અમારી મોટર સાયકલ ઉપર એસ.એસ.જી. હોસ્પિટલ સારવાર માટે લઈ ગયો હતો. કારેલીબાગ પોલીસે ગુનો નોંધી બે શખ્સોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.