આશાપુરા ચોકડીથી આગળ મુખ્ય રોડ પર પાણીની રેલમછેલ રાજકોટ સુધી પીવાનું પાણી પહોંચાડતી પાઈપલાઈન એક જ સ્થળે અનેક વખત તૂટતી હોવાથી તપાસ જરૂરી
ગોંડલ, : ગોંડલ પાસેથી પસાર થતી અને રાજકોટ પહોંચતી ભાદર ડેમની પાઈપલાઇન આજે સવારે તૂટતા 100 ફૂટ જેટલો ઉંચો ફુવારા છુટયો હતો અને લાખો લિટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો.
રાજકોટ માટે ભાદર ડેમમાંથી પીવાના પાણીની પાઇપલાઈન કાઢવામાં આવી છે, જે ગોંડલ નજીક પસાર થાય છે. જેમાં ગોંડલની આશાપુરા ચોકડીથી આગળ આવેલા ગોલ્ડન સીટી વિસ્તાર નજીક આજે સવારે કોઈ કારણસર પાઇપલાઇન તૂટી હતી. જેથી લાખો લિટર પાણીનો બગાડ થયો હતો અને પાણીનાં તળાવ સર્જાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અહીંથી જાણવા મળતી વિગત મુજબ, આશાપુરા ચોકડી નજીક એક જ જગ્યાએ ભાદર ડેમની પાઇપલાઇન વારંવાર તૂટે છે. જેથી કોઇ સ્થાનિકો દ્વારા તોડી નાખવામાં આવે છે કે આપોઆપ તૂટી જાય છે ? તેને લઈને તપાસ થવી જરૂરી બની છે.