– વાસદ- બગોદરા હાઈવે પર સુંદણ ફાટક પાસેથી
– વાંદરીપાનું, ડિસમિસ જેવા ચોરી કરવાના સાધનો, બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો
આણંદ : પેટલાદ શહેરમાંથી ઘરફોડ ચોરી કરનારા સીકલીગર ગેંગના બે સાગરિતોને આણંદ એલસીબીની ટીમે ઝડપી પાડયા હતા. બંને શખ્સો પાસેથી બાઈક, ડિસમિસ જેવા ચોરી કરવાના સાધનો સહિત રૂા. ૨૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સોને પેટલાદ પોલીસના હવાલે કરી દીધા હતા.
આણંદ તાલુકાના વાસદ ગામે રહેતો ગુરુચરણ સિંગ ઉર્ફે ભયલુ અને તેની સાથે રહેતો મહેમદાવાદનો તેનો બનેવી માયાસિંગ સિકલીગર એક કાળા કલરનું બાઈક લઈને રાત્રિના સુમારે આણંદ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ કરે છે. ચોરી કરવા માટે આસોદર ચોકડી તરફ જવાનો હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી. ટીમ વાસદ બગોદરા હાઈવે ઉપર આવેલા સુંદણ ફાટક નજીક વોચમાં હતી. ત્યારે બે શખ્સો એક બાઈક ઉપર આવી ચડતા પોલીસે કોર્ડન કરીને બંનેને ઝડપી પાડયા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા ગુરુચરણ સિંઘ ઉર્ફે ભયલુ ઝરનેલ સિંગ સિકલીગર રહે. વાસદ અને માયાસિંગ સંતોકસિંગ સિકલીગર રહે. મહેમદાવાદવાળો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની અંગ જડતી લેતા તેઓની પાસેથી એક વાંદરી પાનું, મોટું ડિસમિસ, મોબાઈલ તથા રોકડ રકમ મળી આવી હતી.
બંને સંતોષકારક જવાબ આપી ન શકતા પોલીસે ચોરી કરવાના સાધનો તથા બાઈક મળી રૂપિયા ૨૭,૭૦૦નો મુદ્દામાલ જપ્ત લઈ બંનેની અટકાયત કરી હતી.
બંનેએ પેટલાદ શહેર, વિરોલ તથા કાવીઠા ગામે ઘરફોડ ચોરીઓ કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે બંનેને વધુ તપાસ અર્થે પેટલાદ શહેર પોલીસને હવાલે કર્યા હતા.
ભૂંડ પકડવાના બહાને બંધ મકાન શોધતા, બાદમાં ચોરી કરતા
સીકલીગર ગેંગના પકડાયેલા સાગરિત ગુરુચરણ સિંગ ઉર્ફે ભયલુ સિક્લીગર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ આણંદ ગ્રામ્ય, બોરસદ શહેર, આંકલાવ પોલીસ મથકોમાં અલગ અલગ ઘરફોળ ચોરીઓના ગુના નોંધાયા છે. ગેંના બંને શખ્સો રાત્રિના સુમારે બાઈક ઉપર ભૂંડ પકડવાના બહાને અલગ અલગ ગામોમાં ફરી જે મકાનને બહારથી તાળું માર્યું હોય તેને નિશાન બનાવી ચોરીને અંજામ આપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા હતા.
ઘરફોડ ચોરીઓના સીસીટીવીમાં બાઈક શંકાસ્પદ જણાયું
આણંદ એલસીબી પોલીસની ટીમ દ્વારા જિલ્લામાં બનેલા ઘરફોડ ચોરીઓ અંગે તપાસમાં ગુનાઓના સીસીટીવી ફૂટેજનો ડેટા મેળવી તેની બારીકાઈથી તપાસ કરવામાં આવતા ઘરફોડ ચોરીઓમાં એક બાઈક શંકાસ્પદ જણાતા તે દિશામાં વધુ તપાસ હાથ ધર્યા બાદ બંને શખ્સો ઝડપાયા હતા.