– તળાવની ભાડાની રકમ નહીં મળતા ગ્રામ પંચાયતોની હાલત કફોડી
– 2022 થી ઈજારા પર તળાવો અપાયા હતા : નડિયાદ મત્સ્ય ઉદ્યોગ વિભાગની તમામને બ્લેક લિસ્ટ કરવા ઉદ્યોગ કમિશનર- ગાંધીનગરને ભલામણ
નડિયાદ : ખેડા જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા ભાડે અપાયેલા ૪૪ જેટલા તળાવના ઈજારાદારોને ત્રણ નોટિસો આપવા છતાં ભાડાની રકમ ભરપાઈ કરવામાં આવી નથી. તળાવના ઇજારાદારોને બ્લેક લિસ્ટ કરવા નડિયાદ મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા મત્સ્ય ઉદ્યોગ કમિશનર ગાંધીનગરને ભલામણ કરવામાં આવી છે. ઈજારો- ભાડું નહીં મળતા ગ્રામપંચાયતોની હાલત કફોડી બની છે.
સરકાર દ્વારા રાજ્યમાં આવેલા ગ્રામ પંચાયત તેમજ નગરપાલિકા હસ્તકમાં તળાવોને મત્સ્ય ઉદ્યોગની પ્રવૃત્તિ માટે ઇજારા પર આપવામાં આવે છે. ખેડા જિલ્લામાં વર્ષ ૨૦૨૨માં મત્સ્ય ઉદ્યોગ માટે ભાડેથી ઇજારા પર આપવામાં આવેલા તળાવો પૈકી ૪૪ જેટલા તળાવના ઇજારાદારોએ ભાડાની રકમ ભરપાઈ કરી ન હતી. આ ઈજારદારોને મત્સ્ય ઉછેર પ્રવૃત્તિ માટે પ્રથમ પાંચ વર્ષ માટે ઇજારો આપવામાં આવે છે. પાંચ વર્ષ બાદ ભાડાની રકમ નિયમિત ભરપાઈ કરનારા ઇજારાદારોને બીજા પાંચ વર્ષ માટે ઇજારો રીન્યુ કરી આપવામાં આવતો હોય છે. ત્યારે તળાવ ભાડે રાખનારા કેટલાક ઇજારાદારો દ્વારા નિયમિત ભાડા- ઇજારાની રકમ ભરવામાં ન આવતા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી, નડિયાદ દ્વારા ૪૪ જેટલા ઇજારાદારોને તળાવના ભાડાની રકમ ભરપાઈ કરવા તા.૧/૭/૨૦૨૪, તા.૨૨/૮/૨૦૨૪ તેમજ તા.૭/૧૦/૨૦૨૪ના રોજ નોટિસ પાઠવવામાં આવી હતી. ત્રણ નોટિસોને છ મહિના થવા છતાં વગ ધરાવતા ઈજારાદારો ભાડાની રકમ ભરપાઇ નહીં કરી નોટિસને ઘોળીને પી ગયા છે.
નડિયાદની કચેરી દ્વારા તા.૬/૧૨/૨૦૨૪થી આ છેલ્લી કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. ઈજારાદારો પૈકી ઘણા ઈજારાદારો દ્વારા તળાવના ભાડાની રકમ પૈકી એક પાઇ પણ ભરવામાં આવી ન હોવાનું જાણવા મળેલું છે. ઈજારાદારો દ્વારા તળાવના ભાડાની રકમ ભરપાઈ કરવામાં ન આવતા ગ્રામ પંચાયતોને ભાડાની રકમ મળવાની બંધ થઈ ગઈ છે. જેથી ગ્રામ પંચાયતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આમ પાડાના વાંકે પણ પખાલીને ડામ જેવી ગ્રામ પંચાયતોની હાલત થવા પામી છે.
20 ઈજારાદારોએ વિકાસ કમિશનરમાં અપીલ કરી
ખેડા જિલ્લામાં ૪૪ જેટલા તળાવના ઈજારાદારોને મત્સ્ય ઉદ્યોગ કચેરીએ ત્રણ નોટિસ આપવા છતાં ભાડાની રકમ ભરપાઇ નહીં કરતા નડિયાદના મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા આખરી નોટિસ પાછવાઈ છે. ત્યારે ૨૦ જેટલા ઇજારાદારોએ વિકાસ કમિશનર,ગાંધીનગર સમક્ષ અપીલ કરી હોવાનું કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.૨૦૦૩થી ગ્રામ પંચાયતો પાસેથી સત્તા છીનવી લેવાઈ
ગ્રામ પંચાયતના તળાવો હરાજી કરી ભાડે આપવામાં આવતા હતા. પરંતુ ગ્રામ પંચાયતો દ્વારા તળાવો ભાડે આપવામાં ગેરરીતિ- ખાયકી થતી હોવાથી અને ફરિયાદોને ધ્યાને લઈ ૨૦૦૩થી સરકાર દ્વારા તળાવો ભાડે આપવાની સત્તા ગ્રામ પંચાયતો પાસેથી છીનવી લેવામાં આવી હતી.