– ભરૂચમાં ચકચારી હત્યા પ્રકરણમાં રિકન્ટ્રકશન કરાયું
– શૈલેન્દ્રના ઘરથી જીઆઇડીસી વિસ્તારમાં ગટર સુધી આરોપીને લઇ જવાયો ત્યારે તે હસતો હતો
ભરૂચ : ભરૂચમાં મિત્રએ જ મિત્રની હત્યા કર્યા બાદ લાશના નવ ટુકડા કરી ગટરમાં નિકાલ કર્યો હોવાની ચકચારી હત્યા પ્રકરણમાં આખરે પોલીસે અનેક પુરાવા મેળવવા સાથે આરોપીને કયા પ્રકારે ગુનાને અંજામ આપ્યો. કેવી રીતે ટુકડા કર્યા ક્યાં નિકાલ કર્યા તે સંપૂર્ણ ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરવામાં આવતા સોસાયટી વિસ્તારોમાં લોકટોળા એકઠા થયા હતા.
ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક આવેલ વેદાંત સોસાયટીમાં રહેતા સચિન ચૌહાણ કે જે પોતાના મિત્રના ઘરે જમવા ગયા બાદ ઊંઘી ગયો હતો અને તે વખતે જ રાત્રિના સમયે તેનો મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણએ સચિનનો મોબાઇલ ચેક કરી રહ્યો હતો તે બાબતે સચિન ચૌહાણ જાગી જતા બન્ને વચ્ચે બોલાચાલી બાદ શૈલેન્દ્ર સિંઘે સચિન ચૌહાણની હત્યા કર્યા બાદ મૃતદેહના નિકાલ માટે નવ ટુકડા કરી પોલીથીન બેગમાં ભરી જીઆઇડીસી વિસ્તારની ગટરમાં ફેંકી દીધા હતા.
આરોપી સામે કેસ મજબુત બનાવવા ભરૂચ પોલીસ એક પછી એક પુરાવા એકઠા કરી રહી છે. જેમાં આજે હત્યાના બનાવનું અને પછી લાશનો નીકાલ કઇ રીતે કર્યો તેનું વિગતવાર વર્ણન હત્યારા શૈલેન્દ્રએ રિકન્સ્ટ્રક્શન દરમિયાન કર્યુ હતું.ઉલ્લેખનીય છે કે શૈલેન્દ્ર સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન હસતો નજરે આવ્યો હતો. તેને હત્યાનો કોઇ અફસોસ નહતો. તેના ચહેરા ઉપર પણ કોઇ અફસોસના ભાવ નજરે પડતા નહતા.