– પોક્સોના ગુનામાં ગણતરીના કલાકોમાં પકડાયો
– ઠાસરાના મોરઆંબલીના યુવકે મહુધા તાલુકાની સગીરાને દુષ્કર્મ બાદ છોડી દીધી
નડિયાદ : મહુધા તાલુકાના એક ગામની સગીરાને ઠાસરાનો યુવક અપહરણ કરી લઈ ગયો હતો. યુવકે સગીરાને દુષ્કર્મ ગુજાર્યા બાદ છોડી દીધી હોવાની બાતમીના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં મહુધા પોલીસે ઝડપી પાડયો હતો.
ઠાસરાના મોરઆંબલીનો રોહિત સોલંકી તા. ૧૯ માર્ચના દિવસે મહુધા તાલુકાના એક ગામની સગીરાનું અપહરણ કરી અને લઈ ગયો હતો. આ મામલે સગીરાના વાલી દ્વારા મહુધા પોલીસ મથકે પોક્સો અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. આ અંગેની તપાસ મહુધા પોલીસ ચલાવી રહી હતી.
જેમાં ટેકનિકલ સર્વેલન્સની મદદ લેતા આરોપી ભોગ બનનારને દુષ્કર્મ કરી છોડી દઈ અને મોરઆંબલી ખાતે આવી ગયો હોવાની માહિતી મળી હતી. જે બાદ તપાસ માટે મહુધા પોલીસની ટીમ આ ગામમાં પહોંચી હતી. જ્યાં આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ૧૮ દિવસ પહેલાની આ ઘટનાની પોલીસ મથકે માહિતી મળ્યાના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવાયો છે.